YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 1

1
1ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પિતર તરફથી પંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયાના પ્રદેશમાં વેરવિખેર થઈ પરદેશી તરીકે રહેનારા ઈશ્વરના લોકને શુભેચ્છા. 2ઈસુ ખ્રિસ્તને આધીન થવા અને તેમના રક્તની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વરપિતાના ઇરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા. તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરપણે રહો!
જીવંત આશા
3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે. 4અને ઈશ્વરે પોતાના લોકોને માટે રાખી મૂકેલો વારસો મેળવવાની આપણે અપેક્ષા રાખીએ છીએ. ઈશ્વરે તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂક્યો છે અને તે અવિનાશી, નિર્મળ અને અક્ષય છે. 5અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે.
6તમને પડતી ઘણા પ્રકારની ક્સોટીઓથી તમે દુ:ખી છો તેમ છતાં તમે તે માટે આનંદ કરો. 7આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે. 8તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો; 9કારણ, તેથી તમે તમારા વિશ્વાસનું પરિણામ એટલે, તમારા આત્માઓનો ઉદ્ધાર પ્રાપ્ત કરો છો.
10એ જ ઉદ્ધારને માટે ઈશ્વરના સંદેશવાહકોએ ખંતથી શોધ અને તપાસ કરી હતી અને ઈશ્વર તમને આ બક્ષિસ આપશે તે વિષે ભવિષ્યકથન કહ્યું હતું. 11તે ઉદ્ધાર કયે સમયે અને કેવી રીતે આવશે તે શોધવા તેમણે પ્રયત્ન કર્યો હતો. ખ્રિસ્તે સહન કરવાનાં દુ:ખો વિષે અને તે પછી તેમને મળનાર મહિમા વિષે પવિત્ર આત્માએ ભવિષ્યકથન કર્યું ત્યારે તેમનામાં વસતા ખ્રિસ્તના આત્માએ તેમને તેમનો સમય જણાવ્યો હતો. 12આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.
પવિત્ર જીવન જીવવાને માટે આમંત્રણ
13તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો. 14ઈશ્વરને આધીન થાઓ અને તમે અજ્ઞાન હતા તે સમયની દુર્વાસનાઓ પ્રમાણે તમારા જીવનનું ઘડતર થવા ન દો. 15એને બદલે, તમે સર્વ કાર્યમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરના જેવા પવિત્ર બનો. 16શાસ્ત્રમાં લખ્યું છે, “હું પવિત્ર છું, માટે તમારે પવિત્ર બનવું જોઈએ.”
17તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો. 18તમારા પૂર્વજો પાસેથી ઊતરી આવેલી નિરર્થક પ્રણાલિકાઓમાંથી તમને મુક્ત કરવા માટે ચૂકવવામાં આવેલી કિંમતની તો તમને ખબર છે. 19એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે. 20ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ ઈસુને પસંદ કર્યા હતા અને તેમને તમારે માટે આ છેલ્લા દિવસોમાં પ્રગટ કર્યા છે. 21ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે. 22સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.
23વિનાશી નહિ, પણ ઈશ્વરના જીવંત અને સાર્વકાલિક વચનરૂપી બીજ વડે તમને નવો જન્મ આપવામાં આવ્યો છે. 24શાસ્ત્રમાં લખેલું છે:
“બધા માણસો જંગલમાંના
ઘાસ જેવા છે,
અને તેમનો મહિમા તેના
ફૂલ જેવો છે.
ઘાસ સુકાઈ જાય છે અને
તેનું ફૂલ ખરી પડે છે,
પણ પ્રભુનું વચન સદાકાળ
ટકી રહે છે.”
25અને તે જ વચન તમારી પાસે શુભસંદેશની મારફતે આવ્યું છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy