YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 2

2
જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
1તેથી તમે કપટ, ઢોંગ, ઈર્ષા, નિંદા અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો. 2નવા જન્મેલાં બાળકોની જેમ નિર્મળ આત્મિક દૂધ પીવાને સદા તત્પર રહો. 3જેથી આ ઉદ્ધારમાં તમારી વૃદ્ધિ થાય. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુ દયાળુ છે એવો તમને અનુભવ થયો છે.”
4માણસોએ નકામો ગણીને નકારી કાઢેલો, પણ ઈશ્વરે મૂલ્યવાન ગણીને પસંદ કરેલ જીવંત પથ્થર, એટલે, પ્રભુની પાસે આવો. 5આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:
6“મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને આધારશિલા તરીકે સિયોનમાં મૂકું છું;
જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે
તે કદી નિરાશ થશે નહિ.”
7તમ વિશ્વાસ કરનારાઓ માટે
આ પથ્થર અતિ મૂલ્યવાન છે,
પણ જેઓ વિશ્વાસ કરતા નથી
તેમને માટે તો,
“બાંધક્મ કરનારાઓએ
જે પથ્થરનો નકાર કર્યો હતો,
તે જ સૌથી અગત્યનો પથ્થર બન્યો છે.”
8વળી, શાસ્ત્રમાં લખેલું બીજું
એક વચન કહે છે,
“લોકોને ઠોકર ખવડાવનાર
પથ્થર એ જ છે, એ જ
તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.”
વચન પર વિશ્વાસ નહિ કરવાને
કારણે તેમણે ઠોકર ખાધી છે.
તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.
9પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો. 10એક સમયે તમને ઈશ્વરની દયાનો અનુભવ થયો ન હતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે.
ઈશ્વરના ગુલામ
11આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા હે પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ એવી મારી વિનંતી છે. 12વિદેશીઓ તમારા પર દુરાચરણનો ખોટો દોષ મૂક્તા હોય તોયે તેમની વચમાં તમારી વર્તણૂક યથાયોગ્ય રાખો. જેથી પ્રભુ ન્યાય કરવા આવે તે દિવસે તેઓ તમારાં સારાં કાર્યોને લીધે ઈશ્વરની સ્તુતિ કરે.
13પ્રભુને લીધે દરેક માનવી સત્તાને આધીન રહો. એટલે સર્વસત્તાધીશ રાજાને, 14અને ભૂંડું કરનારાઓને સજા કરવા તેમજ સારું કરનારાઓની પ્રશંસા કરવા ઈશ્વર તરફથી નિમાયેલા રાજ્યપાલોને આધીન રહો. 15કારણ, તમારાં સારાં કાર્યોની મારફતે મૂર્ખ માણસોની અજ્ઞાનભરી વાતો તમે બંધ પાડો એવી ઈશ્વરની ઇચ્છા છે. 16તમે સ્વતંત્ર માણસો તરીકે જીવન જીવો. પણ કોઈપણ દુષ્ટ કાર્યને ઢાંકવા માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના ગુલામો તરીકે જીવો. 17સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો.
ખ્રિસ્તના દુ:ખનો નમૂનો
18ગુલામોએ પોતાના માલિકોને આધીન રહેવું જોઈએ; માત્ર માયાળુ અને ભલા જ નહિ, પણ કડક માલિકોને પણ તમારે સંપૂર્ણ માન આપવું જોઈએ. 19ઈશ્વરની ઇચ્છા જાણીને જો તમે વગર વાંકે દુ:ખ સહન કરો છો તો તે માટે ઈશ્વર તમને આશિષ આપશે. 20કંઈ ખોટું કરવાને લીધે જો તમને માર પડે તો તે સહન કરવામાં પ્રશંસાપાત્ર કશું જ નથી. પણ સારું કરવાને લીધે તમે દુ:ખ સહન કરો તો ઈશ્વર તમારા પર પ્રસન્‍ન થશે. 21દુ:ખ સહન કરવાને માટે જ ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. કારણ, તમે ખ્રિસ્તને પગલે ચાલો તે માટે તેમણે દુ:ખ સહન કરીને તમને નમૂનો આપ્યો છે. 22તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી. 23વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી. 24ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે. 25તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy