YouVersion Logo
Search Icon

લૂક 6:27-49

લૂક 6:27-49 IRVGUJ

પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો. જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ. જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ. લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો. તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે. જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. જેની પાસેથી તમે પાછું મેળવાની અપેક્ષા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે. માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ. કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે. આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે. ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, ‘શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ? શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે. તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? તારી પોતાની આંખમાંનો ભારોટીયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું ફોતરું દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ, અને ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે. કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી. દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાનાં ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરાં પરથી દ્રાક્ષ વીણતા નથી. સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે. તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી? જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોનાં જેવા છે, એ હું તમને કહીશ. તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું. પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘર તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’”

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy