YouVersion Logo
Search Icon

તિતસને પત્ર 2

2
સાચું શિક્ષણ
1પણ તારે સાચા સિદ્ધાંત પ્રમાણેનું શિક્ષણ આપવું. 2વૃદ્ધ પુરુષોને સમજાવ કે તેઓ સંયમી, ગંભીર અને ઠરેલ બને તથા વિશ્વાસ, પ્રેમ અને સહનશક્તિમાં દૃઢ બને. 3તેવી જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને સમજાવ કે તેઓ પવિત્ર સ્ત્રીઓની જેમ જીવે. તેમણે બીજાની નિંદા ન કરવી કે દારૂના ગુલામ ન બનવું. તેમણે સારું જ શીખવવું, 4તેમણે યુવાન સ્ત્રીઓને કેળવવી જેથી તેઓ તેમના પતિ અને બાળકો પર પ્રેમ કરે 5તથા આત્મસંયમી, શુદ્ધ અને પોતાના પતિને આધીન રહેનાર સારી ગૃહિણી બને, અને એમ ઈશ્વર તરફથી આપવામાં આવેલ શુભસંદેશની નિંદા થાય નહિ.
6તે જ પ્રમાણે યુવાનોને સંયમી થવાનો ઉપદેશ આપજે. 7સારાં કાર્યો કરવામાં તું જાતે જ નમૂનારૂપ બનજે. તારા શિક્ષણમાં પ્રામાણિક અને ગંભીર બન. 8ટીકા ન થાય તેવા યોગ્ય શબ્દો વાપર, જેથી દુશ્મનો તારી વિરુદ્ધ કહેવાનું કંઈ ન મળવાથી શરમાઈ જાય.
9ગુલામોએ સર્વ બાબતોમાં તેમના માલિકોને આધીન રહેવું અને તેમને સર્વ બાબતમાં ખુશ રાખવા. તેમની સામું બોલવું નહિ, 10કે તેમની વસ્તુઓ ચોરી લેવી નહિ. એના કરતાં ગુલામ તરીકે તેઓ હંમેશાં સારા અને વિશ્વાસુ છે તેમ બતાવવું. આમ, તેમણે તેમનાં કાર્યોની મારફતે આપણા ઉદ્ધારક ઈશ્વર વિષેના શિક્ષણને દીપાવવું.
11કારણ, સર્વ માણસોના ઉદ્ધારને માટે ઈશ્વરે તેમની કૃપા પ્રગટ કરી છે. 12આ કૃપા અધર્મી જીવન અને દુન્યવી વાસનાઓને ત્યજી દેવાનું અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવવાનું શીખવે છે. 13આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ. 14આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.
15આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy