યર્મિયા પ્રસ્તાવના
પ્રસ્તાવના
સંદેશવાહક યર્મિયા ઈ. પૂર્વે સાતમી સદીના ઉત્તરાર્ધમાં અને છઠ્ઠી સદીના પૂર્વાધમાં થઈ ગયો. તેણે પોતાની લાંબી સંદેશસેવા દરમિયાન, લોકોને તેઓએ આચરેલી મૂર્તિપૂજા અને અન્ય પાપોને કારણે પ્રજા ઉપર જે મહા આપત્તિ આવી પડનાર હતી તે સંબંધી સતત ચેતવ્યા હતા. તેના હયાતીકાળમાં જ તેનાં ભવિષ્યવચનો પ્રમાણે આ મહા આપત્તિ આવી પડી; બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયા સામે ચઢી આવ્યો, યરુશાલેમનું પતન થયું, મંદિરનો વિનાશ થયો, અને યહૂદિયાના રાજા તેમજ ઘણા બધા લોકોને બેબિલોનમાં લઇ જવામાં આવ્યા. પણ પાછળથી લોકોને દેશનિકાલમાંથી પાછા લાવવામાં આવશે, અને પ્રજાને પોતાના દેશમાં ફરીથી સ્થાપવામાં આવશે, એ વિષે પણ તેણે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી.
યર્મિયાના પુસ્તકના આ પ્રમાણે ભાગ પાડી શકાય: (૧) યર્મિયાને આમંત્રણ (૨) યોશિયા, યહોયાકિમ, યહોયાખિન અને સિદકિયા રાજાઓના સમયમાં યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ અને પ્રજાને માટે ઈશ્વર તરફથી આવેલા સંદેશા. (૩) યર્મિયાના એક લહિયા બારુખનાં લખાણોમાંથી લીધેલી માહિતી. એમાં યર્મિયાની કેટલીક ભવિષ્યવાણીઓ તથા યર્મિયાના જીવનના કેટલાક અગત્યના પ્રસંગો પણ આલેખેલા છે. (૪) જુદી જુદી પરદેશી પ્રજાઓ સંબંધી ઈશ્વર તરફથી આવેલા સંદેશા. (૫) ઐતિહાસિક પરિશિષ્ઠ, જ્યાં યરુશાલેમના પતનનું અને લોકોને દેશનિકાલ કરીને બેબિલોન લઈ જવામાં આવ્યા તેનું વર્ણન આપવામાં આવ્યું છે.
યર્મિયા લાગણીશીલ હતો, અને પોતાના લોકોને તે પુષ્કળ ચાહતો હતો, અને તેઓની ઉપર ન્યાયદંડ આવનાર છે એવું જાહેર કરવું તે તેને ખૂબ કપરું લાગતું હતું. ઈશ્વરે તેને સંદેશવાહક તરીકે આમંત્રણ આપ્યું હતું એટલે કપરો પ્રબોધ કરતાં કરતાં તેને કેવું કષ્ટ થતું હતું તે વિષે તેણે કેટલાક ફકરાઓમાં ઉત્કટ લાગણીભર્યા ઉદ્ગારો વ્યક્ત કર્યા છે. ઈશ્વરનો સંદેશ એના હૃદયમાં અગ્નિસમાન હતો એટલે એ જાહેર કર્યા વગર તે રહી શકે તેમ નહોતું.
સંદેશાઓનાં કેટલાંક કથનો તો યર્મિયાના પોતાના મુશ્કેલીભર્યા સમયની પાર દૂરના સમય માટે હતાં, જેમ કે ઈશ્વર પોતાના લોકોની સાથે નવો કરાર કરશે, અને એ કરાર તેમનાં હૃદયો પર લખેલો હશે, અને તે પછી કોઈના શીખવ્યા સિવાય તેઓ આપોઆપ તે પ્રમાણે ચાલશે. (૩૧:૩૧-૩૪)
રૂપરેખા:
યર્મિયાને આમંત્રણ ૧:૧-૧૯
યોશિયા, યહોયાકિમ, યહોયાખિન અને સિદકિયા રાજાઓના સમયમાં રજૂ કરેલી ભવિષ્યવાણીઓ ૨:૧—૨૫:૩૮
યર્મિયાના જીવનના પ્રસંગો ૨૬:૧—૪૫:૫
પ્રજાઓ સામેની ભવિષ્યવાણીઓ ૪૬:૧—૫૧:૬૪
યરુશાલેમનું પતન ૫૨:૧-૩૪
Currently Selected:
યર્મિયા પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide