YouVersion Logo
Search Icon

યાકોબનો પત્ર 2

2
ભેદભાવ વિરુદ્ધ ચેતવણી
1મારા ભાઈઓ, તમે આપણા મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોવાથી તમારે બાહ્ય દેખાવ પરથી લોકો પ્રત્યે ભેદભાવવાળું વર્તન દાખવવું ન જોઈએ. 2ધારો કે તમારી સભામાં એક ધનવાન માણસ સોનાની વીંટી અને કિંમતી પોશાક પહેરીને આવે છે; અને બીજો એક ગરીબ માણસ ફાટેલાં વસ્ત્રો પહેરીને આવે છે. 3જો તમે કિંમતી પોશાક પહેરેલાને માન આપો અને કહો, “આ સારી જગ્યાએ બેસો,” પણ પેલા ગરીબને કહો, “ઊભો રહે,” અથવા “મારા પગ પાસે અહીં જમીન પર બેસી જા” 4તો તમે તમારા મયે ભેદભાવ પેદા કરવા સંબંધી દોષિત છો અને તમે ખોટા ઇરાદાથી નિર્ણય કરો છો.
5મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે. 6પણ તમે તો ગરીબોનું અપમાન કરો છો. તમારા પર જુલમ ગુજારનારાઓ અને તમને કોર્ટમાં ઘસડી લઈ જનારા ધનવાનો જ છે. 7તમને આપવામાં આવેલા સારા નામનું તેઓ જ ભૂંડું બોલે છે.
8શાસ્ત્રમાંથી મળી આવતો રાજમાન્ય નિયમ આ છે: “જેવો તારી જાત પર તેવો જ તારા સાથી ભાઈ પર પ્રેમ કર.” જો તમે એ પાળો તો તમે સારું કરો છો. 9પણ જો તમે બાહ્ય દેખાવ પ્રમાણે માણસો સાથે વર્તાવ કરો તો તમે પાપથી દોષિત છો અને એ નિયમ તમને નિયમ તોડનાર તરીકે દોષિત ઠરાવે છે. 10જો કોઈ નિયમશાસ્ત્રની એક આજ્ઞા પણ તોડે તો તે સર્વ આજ્ઞાઓનો ભંગ કરવા સંબંધી દોષિત છે. 11કારણ, “વ્યભિચાર ન કર,” એવું જેમણે કહ્યું, તેમણે જ કહ્યું છે કે, “ખૂન ન કર.” જો કે તમે વ્યભિચાર ન કરો, પણ ખૂન કરો, તો ય તમે નિયમ તોડનાર બની જાઓ છો. 12માનવીને સ્વતંત્ર બનાવનાર નિયમની મારફતે જેમનો ન્યાય થવાનો છે તેવા માણસો તરીકે તમે બોલો અને વર્તો. 13કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.
વિશ્વાસ અને કાર્યો
14મારા ભાઈઓ, જો કોઈ એમ કહે કે, “મને વિશ્વાસ છે” પણ તેનાં કાર્યો તેવું પુરવાર કરતાં ન હોય તો તેથી શો ફાયદો? 15શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ધારો કે કોઈ ભાઈ કે બહેનની પાસે પૂરતાં કપડાં કે ખોરાક નથી. 16અને તમે તેમને કહો, “જાઓ, તમારું કલ્યાણ થાઓ! વસ્ત્રો પહેરીને હૂંફ મેળવો અને સારું ખાઈને તૃપ્ત થાઓ!” પણ જો તમે તેમના જીવનની જરૂરિયાતો પૂરી પાડો નહિ તો તેથી શો ફાયદો? વિશ્વાસ સંબંધી પણ આમ જ છે. 17કાર્યરહિત વિશ્વાસ નિર્જીવ છે.
18પણ કોઈ કહેશે, “એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે, જ્યારે બીજા પાસે કાર્યો છે.” મારો જવાબ છે: “કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે બતાવી શકાય તે મને સમજાવો. હું મારા વિશ્વાસને મારાં કાર્યો દ્વારા દર્શાવીશ.” 19ઈશ્વર એક જ છે એવું તમે માનો છો? તો તે સારી વાત છે. દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને બીકથી ધ્રૂજે છે. 20અરે મૂર્ખ! કાર્ય વગરનો વિશ્વાસ નકામો છે તે માટે તારે પુરાવો જોઈએ છે? 21આપણા પૂર્વજ અબ્રાહામનો ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે કેવી રીતે સ્વીકાર થયો? જ્યારે તેણે પોતાના પુત્ર ઇસ્હાકને વેદી પર અર્પી દીધો ત્યારે તેનાં કાર્યોથી જ તેમ બન્યું. 22તમે સમજી શક્તા નથી? એમ થવામાં તેનાં વિશ્વાસ અને કાર્યો બન્‍ને હતાં. તેનાં કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ બન્યો. 23આથી શાસ્ત્રવચન સાચું પડયું કે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” તેથી અબ્રાહામને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો. 24માણસ માત્ર વિશ્વાસથી જ નહિ, પણ કાર્યથી ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે.
25રાહાબ વેશ્યાના કિસ્સામાં પણ એમ જ છે. તેનાં કાર્યોની મારફતે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. તેણે યહૂદી સંદેશકોનો આદરસત્કાર કર્યો અને નાસી છૂટવામાં તેમની સહાય કરી.
26તે જ પ્રમાણે, જેમ આત્મા વગર શરીર મરેલું છે, તેમ કાર્યો વગર વિશ્વાસ પણ નિર્જીવ છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy