YouVersion Logo
Search Icon

યાકોબનો પત્ર 1

1
1ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી વિવિધ સ્થળે દુનિયામાં વિખેરાઈ ગયેલાં બારે કુળને શુભેચ્છા.
વિશ્વાસ અને જ્ઞાન
2મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં વિવિધ પ્રકારની ક્સોટીઓ આવે, ત્યારે તમે તેમાં આનંદ કરો. 3કારણ, તમે જાણો છો કે તમારા વિશ્વાસની ક્સોટી થવાને લીધે તમારામાં સહનશક્તિ પેદા થાય છે. 4તમારી સહનશક્તિ ખૂટી ન જાય પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો, જેથી તમે પરિપકવ અને પરિપૂર્ણ બનો અને તમારામાં કંઈ ઊણપ રહે નહિ. 5જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. 6પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહિ. શંકાશીલ માણસ પવનથી ઊછળતા દરિયાના મોજાં જેવો અસ્થિર છે. 7એવો માણસ નથી નિર્ણય કરી શક્તો કે નથી તેના વ્યવહારવર્તનમાં સ્થિર રહી શક્તો. એવો માણસ દંભી છે. 8પ્રભુ તેને કંઈક આપશે તેવી ધારણા તેણે રાખવી જોઈએ નહિ.
ગરીબ અને ધનવાન
9કોઈ ગરીબ ભાઈને ઈશ્વર ઉચ્ચ પદવી આપે, 10અને કોઈ ધનવાન ભાઈને નીચે સ્થાને લાવે તો તેમણે આનંદ કરવો. કારણ, ધનવાન તો જંગલમાંના ઘાસના ફૂલની માફક ચાલ્યો જવાનો છે. 11સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે.
પ્રલોભનો
12જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે. 13જો કોઈનું પ્રલોભન થાય, તો “આ પ્રલોભન ઈશ્વર તરફથી આવ્યું છે” એમ તેણે ન કહેવું. કારણ, ભૂંડાઈથી ઈશ્વરનું પ્રલોભન થઈ શકતું નથી અને તે પોતે કોઈનું પ્રલોભન કરતા નથી. 14પણ માણસ પોતાની દુર્વાસનાઓથી લલચાઈને ફસાઈ જાય છે. 15ત્યાર પછી આ દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પુખ્ત થઈને મરણ નિપજાવે છે.
16મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહિ. 17દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી. 18તેમણે પોતાની ઇચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે.
સદાચારનો ઉત્તમ માર્ગ
19મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ. 20ઈશ્વરનો ન્યાયી ઇરાદો કંઈ માણસના ગુસ્સાથી ફળીભૂત થતો નથી. 21આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો. ઈશ્વરને આધીન થાઓ અને તમારો ઉદ્ધાર થાય માટે તમારાં હૃદયોમાં ઈશ્વરે વાવેલો સંદેશ ગ્રહણ કરો.
22ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ. 23જે કોઈ સંદેશ સાંભળીને તેને અમલમાં મૂક્તો નથી તે અરીસામાં જોનારના જેવો છે: 24તે પોતાને ખૂબ ધ્યનથી નિહાળે છે અને પછી ત્યાંથી ખસી જતાં પોતે કેવો લાગે છે તે તરત જ ભૂલી જાય છે. 25પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે.
26શું કોઈ પોતાને ધાર્મિક માને છે? જો તે પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તો તેનો ધર્મ નિરર્થક છે અને તે પોતાની જાતને છેતરે છે. 27અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy