YouVersion Logo
Search Icon

યશાયા 2

2
સાર્વકાલિક શાંતિ
(મિખા 4:1-3)
1ઈશ્વરે આમોઝના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી પ્રગટ કરેલો સંદેશો:
2આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો
પર્વત બધા પર્વતોમાં મુખ્ય
બની રહેશે, અને
તેને બધા ડુંગરો કરતાં ઊંચો
કરવામાં આવશે.
બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની
જેમ ચાલી આવશે.
3એ પ્રજાઓના લોકો કહેશે,
“ચાલો, આપણે પ્રભુના પર્વત પર,#2:3 ‘પ્રભુના પર્વત પર’: સિયોન પર્વત; યરુશાલેમમાં આવેલી ટેકરી જેના પર મંદિર બાંધવામાં આવ્યું હતું.
યાકોબના ઈશ્વરના મંદિરમાં
ચડી જઈએ;
તે આપણને તેમના માર્ગ શીખવશે,
અને આપણે તેમના માર્ગમાં ચાલીશું,
કારણ, પ્રભુના નિયમનું શિક્ષણ
સિયોનમાંથી ફેલાશે,
અને યરુશાલેમમાંથી પ્રભુ
લોકોને સંદેશ પાઠવશે.”
4તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે.
તે તેમના ઝઘડા પતાવશે.
તેઓ પોતાની તલવારો ટીપીને
તેમાંથી હળપૂણીઓ અને
પોતાના ભાલામાંથી
દાતરડાં બનાવશે.
પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ,
અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ.
5હે યાકોબના વંશજો, ચાલો, આપણે
પ્રભુના પ્રકાશમાં ચાલીએ.
ગર્વિષ્ઠોનો નાશ થશે
6હે ઈશ્વર, તમે તમારા લોકને, યાકોબના વંશજોને તજી દીધા છે. પલિસ્તીઓ તથા પૂર્વમાંથી આવેલા લોકોમાંથી ધંતરમંતર કરનારા તેમની વચમાં મોટી સંખ્યામાં વસે છે. તેમણે પરદેશીઓ સાથે હાથ મિલાવ્યો છે. 7તેમનો દેશ સોનાચાંદીથી ભરપૂર છે અને તેમના ખજાનાનો કોઈ પાર નથી. તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેમના રથોનો કોઈ પાર નથી. 8તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને તેઓ પોતાને હાથે જ બનાવેલી મૂર્તિઓનું ભજન કરે છે.
9સૌને નમાવવામાં આવશે અને સૌની નામોશી થશે. હે પ્રભુ, તમે તેમને માફ કરશો નહિ.
10પ્રભુના રોષથી તથા તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જાઓ. 11તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે. 12તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.
13તે દિવસે તે લબાનોનનાં ઊંચા ગંધતરુઓ અને બાશાનનાં ઓકવૃક્ષોનો નાશ કરશે. 14ઊંચા પર્વતો અને ડુંગરાઓ, 15કિલ્લાના ઊંચા મિનારા અને દીવાલોને તે તોડી પાડશે. 16મહાન અને સુંદર વહાણોને તે ડૂબાડી દેશે.
17-18માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.
19પ્રભુ પૃથ્વીને કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી અને તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા લોકો પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે. 20તે સમયે માણસો હાથે ઘડેલી પોતાની સોનાચાંદીની મૂર્તિઓ ફેંકી દેશે અને તેમને ખંડિયેરોમાં છછુંદર અને ચામાચિડિયાની પાસે તજી દેશે. 21પ્રભુ પૃથ્વી કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી તથા તેમના સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા તેઓ પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે.
22હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે?

Currently Selected:

યશાયા 2: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy