YouVersion Logo
Search Icon

યશાયા 1

1
1આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.
પોતાના લોકને પ્રભુનો ઠપકો
2પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે. 3બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાડો જાણે છે, પણ મારા ઇઝરાયલી લોકને એટલુંય ભાન નથી. તેઓ કંઈ જ સમજતા નથી.
4“હે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, દુરાચારીઓની ઓલાદ, વંઠી ગયેલાં છોકરાં! તમે પ્રભુનો ત્યાગ કર્યો છે; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો. 5તમે શા માટે વિદ્રોહ કર્યા કરો છો? શું હજી તમારે વધારે સજા ભોગવવી છે? આખું માથું તો સડી ગયું છે! વળી, હૃદય પણ નિર્ગત છે. 6પગના તળિયાથી માથા સુધી એકેય અંગ તંદુરસ્ત નથી. આખા શરીરે ઘા, સોળ અને પાકેલા જખમ છે. ઘા દાબીને સાફ કરવામાં આવ્યા નથી કે તેમને પાટા બાંધવામાં આવ્યા નથી કે તેમને તેલ લગાડીને નરમ કરવામાં આવ્યા નથી.
7“તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે. 8ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.” 9સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ.
10હે યરુશાલેમ, તારા રાજર્ક્તાઓ અને તારા લોકો સદોમ અને ગમોરા જેવા છે. તમે પ્રભુની વાત સાંભળો. ઈશ્વરના નિયમ પ્રત્યે લક્ષ આપો. 11પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું.
12“મારા સાંનિધ્યમાં આવતી વેળાએ તમને આ બધું લાવવાનું કોણે કહ્યું? મારા મંદિરના આંગણાને આમ તમારા પગ નીચે ખૂંદવાનું કોણે કહ્યું? 13તમારાં નકામાં અર્પણો લાવશો નહિ. તમારા ધૂપની વાસ હું ધિક્કારું છું. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વ, સાબ્બાથ અને ધાર્મિક સંમેલનો હું સહન કરી શક્તો નથી. કારણ, તમારાં પાપને લીધે તે બધાં ભ્રષ્ટ થઈ ગયાં છે. 14તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વો અને પવિત્ર દિવસોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડયાં છે, અને તેમને સહીસહીને હું થાકી ગયો છું.
15“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે. 16સ્નાન કરો અને શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી નજર આગળથી દૂર કરો. દુરાચાર બંધ કરો, 17અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”
18પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ.#1:18 ‘પાપને લડીધે... કરીશ’ અથવા ‘જો પાપને લીધે તમારા પર લાલ ડાઘ પડયા હોય તો શું તે બરફના જેવા શ્વેત થશે?’ જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.#1:18 ‘જો કે.. સફેદ થશો’: ‘અથવા જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો શું તે ઊનના જેવા સફેદ થશે?’ 19જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. 20પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”
ભ્રષ્ટાચારી નગરી
21એક સમયની પતિવ્રતા નારી જેવી નગરી આજે વેશ્યા જેવી બની ગઈ છે! એક વખતે તેમાં સદાચારીઓ રહેતા હતા, પણ હવે ખૂનીઓ જ બાકી રહ્યા છે. 22હે યરુશાલેમ નગરી, એકવાર તું ચાંદી જેવી હતી, પણ અત્યારે તો તું કથીર બની ગઈ છે. તું ઉત્તમ દ્રાક્ષાસવ જેવી હતી, પણ અત્યારે તો પાણીમિશ્રિત દ્રાક્ષાસવ જેવી બની ગઈ છે. 23તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી.
24એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ. 25હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ. હું તને અગ્નિની ભઠ્ઠીમાં તાવીને તારી બધી જ અશુદ્ધતા દૂર કરીશ. 26વર્ષો પૂર્વે તારી પાસે હતા તેવા રાજર્ક્તાઓ અને સલાહકારો હું તને આપીશ. ત્યાર પછી યરુશાલેમ ન્યાયી અને પતિવ્રતા નારી જેવી નગરી તરીકે ઓળખાશે.
27પ્રભુ ન્યાયી હોવાથી સિયોન એટલે યરુશાલેમને અને પાપથી પાછા ફરનારા તેના લોકોને બચાવશે. 28પણ પ્રભુ વિરુદ્ધ પાપ કરનારાઓ અને બળવો પોકારનારાઓનો તો તે વિનાશ કરશે, અને તેમનો નકાર કરનાર પ્રત્યેક માર્યો જશે.
29તમે જેમાં આનંદ માણતા હતા તે પવિત્ર ઓકવૃક્ષને લીધે તમે લજ્જિત થશો. તમારા પસંદ કરેલા ઉપાસનાનાં ઉપવનોને#1:29 ‘ઉપાસનાનાં ઉપવનો’: દેવને અર્પિત બાગ: લોકોમાં એવી માન્યતા હતી કે ફળદ્રુપતાના દેવને બાગતું અર્પણ કરવામાં આવે તો તેથી પાક પર આશિષ આવે. લીધે તમે અપમાનિત થશો. 30કારણ, તમે તો જેનાં પાંદડાં કરમાઈ જાય છે તેવા મસ્તગીવૃક્ષ જેવા અને નિર્જળ વાડી જેવા થશો. 31બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.

Currently Selected:

યશાયા 1: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy