YouVersion Logo
Search Icon

હબાક્કુક 2

2
પ્રભુનો પ્રત્યુત્તર
1મારી ફરિયાદનો મને શો જવાબ મળે છે અને પ્રભુ મને શું કહે છે તે જાણવા હું મારી ચોકી પર ઊભો રહીશ. હા, મારા ચોકીના બુરજ પર ચઢીને તેની રાહ જોઈશ.
2પ્રભુએ મને આ પ્રમાણે જવાબ આપ્યો, “હું તને જે પ્રગટ કરું તે પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે દોડનાર પણ સહેલાઈથી વાંચી શકે.#2:2 ‘દોડનાર પણ... વાંચી શકે’: અથવા, ‘વાંચનાર તરત દોડે.’ 3નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.” 4અને સંદેશ તો આવો છે: ‘દુષ્ટો બચી જશે નહિ,#2:4 ‘દુષ્ટો બચી જશે નહિ’: સંભવિત પાઠ; હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી. પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.’
દુષ્ટોનો અંજામ
5સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે. 6એ બધી જીતાયેલી પ્રજાઓ તેમના વિજેતાઓને મહેણાં મારતાં તેમનો તિરસ્કાર નહિ કરે? તેઓ કહેશે, “તમે જે તમારું નથી તે પચાવી પાડો છો, પણ તમારું આવી બન્યું છે! ક્યાં સુધી તમે તમારા દેવાદારોને દેવું ભરી દેવાની ફરજ પાડીને ધનવાન થતા જ રહેશો?”
7પણ બીજાઓને જીતી લેનારા તમે પોતે જ અચાનક દેવાદાર બની જશો અને તમને જ વ્યાજ ભરી દેવાની ફરજ પાડવામાં આવશે. દુશ્મનો આવીને તમને ધ્રુજાવી દેશે. 8તેઓ તમને લૂંટી લેશે. તમે ઘણી પ્રજાઓને લૂંટી છે, પણ તેઓમાંથી બચી ગયેલા લોકો હવે તમને લૂંટશે; કારણ, તમે તેમનામાં ખૂનામરકી ચલાવી છે અને દુનિયાના લોકો અને તેમનાં શહેરો#2:8 ‘દુનિયાના લોકો તથા તેમનાં શહેરો’: અથવા, ‘ભૂમિ, નગર અને તેમાં વસનારા.’ પર જોરજુલમ ગુજાર્યા છે.
9તમારું આવી બન્યું છે! તમે જોરજુલમથી પડાવી લઈને તમારા કુટુંબને ધનવાન બનાવ્યું છે, અને ઊંચે બાંધેલા માળાની જેમ તમારા ઘરને નુક્સાન અને જોખમથી સલામત કર્યું છે. 10પણ તમારા બદઇરાદાઓથી તમારા કુટુંબને લાંછન લાગ્યું છે; ઘણી પ્રજાઓનો નાશ કરીને તમે પોતાનો વિનાશ વહોરી લીધો છે. 11પણ એ ઘરની દીવાલોના પથ્થરો પણ તમારી વિરુદ્ધ પોકારી ઊઠશે, અને લાકડાના ભારટિયા એ પોકારનો પડઘો પાડશે.
12તમારું આવી બન્યું છે! તમે રક્તપાતથી નગરનો પાયો નાખ્યો છે અને અન્યાયથી તેને બાંધ્યું છે. 13તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે. 14પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે.
15તમારું આવી બન્યું છે! તમે તમારા ઝનૂનમાં તમારા પડોશીઓની બદનામી કરી છે અને તેમને હલકા પાડયા છે. પીને ચકચૂર થઈને લથડિયાં ખાનારાની જેમ તેમને લથડિયાં ખાતા કર્યા છે. 16સન્માનને બદલે લજ્જિત થવાનો તમારો પણ વારો આવશે. તમે પીને લથડિયાં ખાશો; હા, પ્રભુ તરફથી તમારે તમારી સજાનો પ્યાલો પીવો પડશે અને તમારી કીર્તિ રગદોળાઈ જશે. 17તમે લબાનોનનાં જંગલો કાપી નાખ્યાં; હવે તમને કાપી નાખવામાં આવશે. તમે તેમાંનાં પ્રાણીઓ મારી નાખ્યાં, હવે પ્રાણીઓ તમને થથરાવશે. તમે ક્તલ ચલાવી છે અને દુનિયાના લોકો તથા તેમનાં શહેરો પર અત્યાચારો ગુજાર્યા છે તે માટે એમ બનશે.
18મૂર્તિઓ શા ક્મની છે? એ તો માત્ર માણસના હાથની કૃતિ જ છે. તે માત્ર જૂઠું જ શીખવે છે. કંઈ બોલી ન શકે એવા મૂંગા દેવ પર ભરોસો રાખવાથી તેમના બનાવનારને શો લાભ થાય છે? 19તારું આવી બન્યું છે; કારણ, તું લાકડાના ટુકડાને કહે છે, “જાગ” અને પથ્થરના ટુકડાને કહે છે, “ઊઠ.” મૂર્તિ તને કોઈ વાત પ્રગટ કરી શકે? તેને સોના કે રૂપાથી મઢી હોય તો પણ તે નિર્જીવ છે.
20પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો!

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy