YouVersion Logo
Search Icon

હબાક્કુક 1

1
1હબાક્કુક સંદેશવાહકને પ્રભુએ સંદર્શનમાં પ્રગટ કરેલો આ સંદેશ છે.
અન્યાય સામે ફરિયાદ
2હે પ્રભુ, તમે મારું સાભળો અને જોરજુલમથી અમારો બચાવ કરો. તે માટે મારે તમને ક્યાં સુધી મદદને માટે પોકાર કર્યા કરવો? 3શા માટે તમે મને અન્યાય જોવા દો છો? તમે કેવી રીતે ખોટું સાંખી લો છો? મારી આસપાસ મારફાડ અને હિંસા છે. સર્વત્ર લડાઈ અને ઝઘડા છે. 4કાયદા કમજોર અને નિરુપયોગી બની ગયા છે અને ન્યાય મળતો નથી. દુષ્ટોએ ઈશ્વરપરાયણ#1:4 ઈશ્વર સાથે સુમેળમાં આવેલા. લોકોને દબાવી દીધા છે. તેથી ન્યાય ઊંધો વળે છે.
પ્રભુનો પ્રત્યુત્તર
5ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ. 6હું બેબિલોનની ઝનૂની અને આક્રમક પ્રજાને ઉશ્કેરી રહ્યો છું. તેઓ બીજાઓનાં રહેઠાણની ભૂમિ પચાવી પાડવા સમસ્ત પૃથ્વી પર કૂચ કરે છે. 7તેઓ સર્વત્ર ભય અને આતંક ફેલાવે છે. પોતે જ માને તે જ કાયદો એવા તે છે. તેઓ પોતે જ પોતાની પ્રતિષ્ઠા વધારે છે.”
8તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે.
9તેમનાં સૈન્ય મારફાડ કરતાં આગળ ધપે છે અને તેમને આગળ ધપતાં જોઈને સૌ કોઈ ભયભીત થઈ જાય છે.#1:9 ‘તેમને આગળ... થઈ જાય છે’: સંભવિત પાઠ; હિબ્રૂ પાઠ સ્પષ્ટ નથી. તેમના કેદીઓની સંખ્યા રેતીના કણ જેટલી છે. 10તેઓ રાજાઓનો તિરસ્કાર કરે છે અને સેનાનાયકોની મજાક ઉડાવે છે. કોઈ કિલ્લેબંધી તેમને રોકી શક્તી નથી. કારણ, તેઓ તેની સમાન્તર સપાટીનો ઢોળાવ બનાવી તેને સર કરે છે. 11પછી તેઓ પવન વેગે આગળ જતા રહે છે. તેઓ પોતાના બળને જ પોતાનો ઈશ્વર માને છે અને એમ ગુનેગાર ઠરે છે.
હબાક્કુકની ફરીથી ફરિયાદ
12હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે. 13તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?
14તમે લોકોને, જેમનો કોઈ માર્ગદર્શક નથી એવા સમુદ્રનાં માછલાં જેવા અને જીવજંતુના ટોળાં જેવા કેમ ગણો છો? 15બેબિલોનીઓ તો જાણે ગલથી માછલાં પકડતા હોય તેમ લોકોને પકડે છે. તેઓ તેમને જાળથી ખેંચી કાઢે છે અને તેમને આ રીતે પકડવાનો આનંદ અનુભવે છે. 16તેઓ તેમની જાળોની પણ પૂજા કરે છે, તેમને બલિદાન આપે છે અને ધૂપ બાળે છે. કારણ, તેમની જાળો તેમને ઉત્તમ વસ્તુઓ પૂરી પાડે છે.
17તો શું તેઓ તેમની તલવાર ચલાવ્યા જ કરશે અને પ્રજાઓનો નિર્દય સંહાર કર્યા જ કરશે?

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy