YouVersion Logo
Search Icon

ગલાતીઓને પત્ર 1

1
1આ પત્ર હું પાઉલ લખાવું છું. મને પ્રેષિત થવાનું આમંત્રણ કોઈ માણસ તરફથી કે માણસ દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત તથા તેમને સજીવન કરનાર ઈશ્વરપિતા તરફથી મળ્યું છે. 2હું અને મારી સાથેના સર્વ ભાઈઓ ગલાતિયા પ્રાંતની મંડળીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. 3ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. 4હાલના આ દુષ્ટ જમાનામાંથી આપણને સ્વતંત્ર કરવા માટે ખ્રિસ્તે આપણાં પાપને કારણે આપણા ઈશ્વરપિતાની ઇચ્છાને આધીન થઈને પોતાનું અર્પણ કર્યું છે. 5ઈશ્વરનો યુગાનુયુગ મહિમા થાઓ! આમીન.
એક જ શુભસંદેશ
6મને તમારા વર્તનથી નવાઈ લાગે છે! જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને તરછોડીને તમે બીજા શુભસંદેશ તરફ બહુ જલદી ફરી ગયા છો. 7હકીક્તમાં કોઈ “બીજો શુભસંદેશ” છે જ નહિ; પરંતુ કેટલાક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્તના શુભસંદેશને બદલી નાખે છે. 8પણ જો અમે અથવા સ્વર્ગમાંથી આવેલો કોઈ દૂત પણ અમે સંભળાવેલા શુભસંદેશ કરતાં અલગ શુભસંદેશ તમને સંભળાવે, તો તેના પર શાપ ઊતરો. 9અમે અગાઉ જણાવ્યું છે, અને હું હવે ફરી જણાવું છું: તમે સ્વીકારેલા શુભસંદેશ કરતાં કોઈ તમને જુદો શુભસંદેશ સંભળાવે, તો તેના પર શાપ ઉતરશે. 10શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્‍ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી.
પાઉલ કેવી રીતે પ્રેષિત બન્યો?
11મારા ભાઈઓ, મને કહેવા દો કે મેં પ્રગટ કરેલો શુભસંદેશ માનવીય નથી. 12મને તે કોઈ માણસ પાસેથી મળ્યો નથી, કે નથી મને કોઈએ તેને વિષે શીખવ્યું. ઈસુ ખ્રિસ્તે પોતે જ મને તે પ્રગટ કર્યો છે.
13જ્યારે હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું વર્તન કેવું હતું તે વિષે તો તમે સાંભળ્યું હશે. મેં તે વખતે ઈશ્વરની મંડળીની ક્રૂર સતાવણી કરી હતી, અને તેનો નાશ કરવા મેં મારાથી બનતો બધો જ પ્રયત્ન કર્યો હતો. 14મારા પૂર્વજોની પ્રણાલિકાઓને હું ચુસ્તપણે વળગી રહ્યો હતો, અને યહૂદી ધર્મના પાલનમાં મારા ઘણા સાથી યહૂદીઓ કરતાં મેં વધારે પ્રગતિ કરી હતી.
15પણ મારો જન્મ થયા પહેલાં ઈશ્વરે તેમની કૃપામાં મને પસંદ કર્યો હતો અને તેમની સેવા કરવા માટે મને અલગ કર્યો છે. 16ઈસુ વિષેનો શુભસંદેશ હું બિનયહૂદીઓને પ્રગટ કરું માટે તેમણે પોતાના પુત્રને મારામાં પ્રગટ કરવાનું નક્કી કર્યું ત્યારે મેં કોઈની પણ સલાહ લીધી નહિ. 17બલ્કે, મારી પહેલાંના પ્રેષિતોને મળવા હું યરુશાલેમમાં પણ ગયો નહિ, પણ તરત જ અરબસ્તાન ચાલ્યો ગયો, અને પછી દમાસ્ક્સ પાછો ફર્યો. 18ત્રણ વર્ષ પછી હું પિતરને મળવા યરુશાલેમ ગયો અને તેની સાથે પંદર દિવસ રહ્યો. 19ત્યારે પણ પ્રભુના ભાઈ યાકોબ સિવાય બીજા કોઈ પ્રેષિતને હું મળ્યો નહોતો.
20ઈશ્વર મારા સાક્ષી છે કે હું જે લખું છું તે સાચું છે; હું જૂઠું કહેતો નથી. 21ત્યાર પછી હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો હતો. 22તે સમયે યહૂદિયાની ખ્રિસ્તી મંડળીઓના સભ્યો મને વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા. 23તેઓ માત્ર આટલું જ જાણતા હતા: “આપણને પહેલાં સતાવનાર માણસ જે વિશ્વાસને એકવાર નષ્ટ કરવાનો પ્રયત્ન કરતો તેને હવે તે પ્રગટ કરે છે.” 24આમ મારે લીધે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy