YouVersion Logo
Search Icon

સભાશિક્ષક 2

2
મોજશોખની વ્યર્થતા
1મેં મનમાં વિચાર્યું, “ચાલો, ત્યારે મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.” છતાં એ પણ અનુભવે મિથ્યા જણાયું. 2મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી. 3પૃથ્વી પરનું પોતાનું અલ્પ આયુષ્ય પસાર કરવાનો મનુષ્ય માટે કયો માર્ગ ઉત્તમ છે તેની ચક્સણી કરી જોવા મારા મનને જ્ઞાનના પ્રભાવ હેઠળ રહેવા દઈ મારા તનને મદિરાપાનથી આનંદિત કરવાનો પ્રયાસ કરવાની મૂર્ખાઈ મેં કરી.
4મેં મોટાં મોટાં કામો કર્યાં. મેં મારે માટે મહેલ બાંયા અને દ્રાક્ષવાડીઓ રોપાવી. 5મેં મારે માટે ઉદ્યાનો અને ફળવાડીઓ બનાવી અને તેમાં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. 6મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં. 7મેં દાસદાસીઓ ખરીદ્યાં. વળી, મારા મહેલમાં જન્મેલા નોકરો પણ મારી પાસે હતા. યરુશાલેમમાં મારા કોઈપણ પુરોગામી કરતાં મારી પાસે ગાયબળદ તથા ઘેટાંબકરાની અધિક સંપત્તિ હતી. 8મેં સોનુંરૂપું તથા રાજાઓ અને પ્રદેશના ખજાનાઓ એકઠા કર્યા. ગાયકગાયિકાઓ મને મનોરંજન પૂરું પાડતા અને પુરુષો જેમાં આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મારી પાસે હતી.
9આ રીતે યરુશાલેમના મારા બધા પુરોગામીઓ કરતાં હું વધુ પ્રતાપી અને સંપત્તિવાન બન્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું હતું. 10મારી આંખોને જે કંઈ પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તે મેં પ્રાપ્ત કર્યું. કોઈપણ પ્રકારના આનંદપ્રમોદથી મેં મારી જાતને વંચિત રાખી નહિ. મારા પરિશ્રમનાં સર્વ કાર્યોનો એ મારો પુરસ્કાર હતો. 11તે પછી મેં જે કાર્યો કર્યાં હતાં અને તે કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તે અંગે વિચાર કર્યો અને મને સમજાયું કે તે મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન હતું. પૃથ્વી ઉપર કશામાં મને લાભ જણાયો નહિ. 12રાજા પોતાના પુરોગામી રાજા કરતાં વિશેષ શું કરી શકે? અગાઉ જે કરાયું હોય તે જ તે કરી શકે.
તેથી મેં જ્ઞાન, પાગલપણું, અને મૂર્ખાઈ વિશે વિચાર કર્યો. 13મેં જોયું કે જેમ પ્રકાશ અંધકારથી વધારે સારો છે તેમ જ્ઞાન મૂર્ખતાથી વિશેષ ચઢિયાતું છે. 14જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે. 15ત્યારે મેં મારા મનમાં કહ્યું, “જે દશા મૂર્ખની થાય છે તે જ મારી પણ થવાની છે. ત્યારે હું વધુ જ્ઞાની છું તેથી મને શો લાભ થયો?” મેં મારી જાતને કહ્યું, “એ પણ મિથ્યા છે.” 16નથી કોઈ જ્ઞાનીને સંભારતું કે નથી કોઈ મૂર્ખને. ભવિષ્યમાં આપણે બધા ભુલાઈ જઈશુ. જ્ઞાની પણ મૂર્ખની જેમ જ મરે છે! 17તેથી મને જિંદગી પ્રત્યે ધૃણા ઊપજી. કારણ, આ પૃથ્વી ઉપર જે કામો કરવામાં આવે છે તે મને દુ:ખદાયક થઈ પડયાં છે. બધું જ મિથ્યા છે, હવામાં બાચકા ભરવા સમાન છે.
18પૃથ્વી ઉપર કરેલાં પરિશ્રમયુક્ત કાર્યો પ્રત્યે મને તિરસ્કાર ઉપજ્યો. કારણ, મારે તેનાં ફળ મારા વારસદાર માટે છોડી જવાં પડશે. 19મારા પછી આવનાર જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં પૃથ્વી પર મારા સર્વ પરિશ્રમનું ફળ તે ભોગવશે, અને જે કંઈ મારી બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કર્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. તે પણ મિથ્યા છે. 20તેથી પૃથ્વી પર મેં કરેલા સંપૂર્ણ પરિશ્રમ પ્રત્યે મને નિરાશા ઊપજી. 21એક માણસ બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય વડે પરિશ્રમ કરે છે, પણ તેના ફળ માટે કશો જ પરિશ્રમ ન કરનાર બીજાને માટે તે વારસામાં છોડીને જાય છે. આ પણ મિથ્યા અને વ્યર્થ છે. 22મન લગાડીને કરેલ તેના પરિશ્રમ માટે માણસને શો લાભ થાય છે? 23કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે.
24મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે પરિશ્રમ કરે એના કરતાં એને માટે બીજું કશું વધારે સારું નથી. મેં જોયું છે કે એ પણ ઈશ્વરના હાથની વાત છે. 25કારણ, ઈશ્વરની ઇચ્છા વિના કોણ ખાઈ શકે અથવા કોણ સુખ ભોગવી શકે? 26જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy