YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 15

15
પોતાને નહિ, પણ બીજાને ખુશ કરો
1હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણે શક્તિમાનોની ફરજ છે. 2આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે [તેની] ઉન્‍નતિને અર્થે ખુશ કરવો. 3કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતા; પણ લખ્યા પ્રમાણે [તેમને થયું] , એટલે, #ગી.શા. ૬૯:૭. “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.” 4કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ [મળવા] ને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્‍ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ. 5તમે એકચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો, મહિમા પ્રગટ કરો. 6એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ, એવું [વરદાન] ધીરજ તથા દિલાસાના દાતાર ઈશ્વર તમને આપો.
બિનયહૂદીઓને સુવાર્તા
7માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. 8વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે, 9અને વળી વિદેશીઓ પણ તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્‍નતીઓના સેવક થયા. લખેલું છે,
# ૨ શમુ. ૨૨:૫૦; ગી.શા. ૧૮:૪૯. “એ કારણ માટે હું વિદેશીઓમાં
તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનું ગીત ગાઈશ.”
10વળી તે કહે છે, #પુન. ૩૨:૪૩. “ઓ વિદેશીઓ,
તમે તેમના લોકોની સાથે
આનંદ કરો.”
11વળી, “ઓ સર્વ વિદેશીઓ,
# ગી.શા. ૧૧૭:૧. પ્રભુની સ્તુતિ કરો. અને
સર્વ લોકો તેમનું સ્તવન કરો.”
12વળી યશાયા કહે છે, #યશા. ૧૧:૧૦. “યિશાઈની જડ,
એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને
જે ઊભો થવાનો છે, તે થશે.
તેના પર વિદેશીઓ આશા રાખશે.”
13હવે ઈશ્વર કે, જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.
પાઉલનું સીધા શબ્દોમાં લખવાનું કારણ
14વળી મારા ભાઈઓ, મને તમારે વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્‍ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો. 15એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય, માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં, 16એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં [આ પત્ર] તમારા પર લખ્યો છે. 17તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરવાનું કારણ છે. 18કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી, વાણી અને કાર્ય વડે, ચિહ્નો તથા અદભુત કૃત્યોના પ્રભાવથી, વિદેશીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું ધરીશ નહિ. 19એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ]. 20અને સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ [જાણવામાં આવ્યું] હતું ત્યાં [બોધ કરવો] નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું. 21લખેલું છે,
# યશા. ૫૨:૧૫. “જેઓને તેમના સંબંધીના સમાચાર
મળ્યા નહોતા તેઓ જોશે, અને
જેઓના સાંભળવામાં આવ્યું નહોતું
તેઓ સમજશે.”
રોમની મુલાકાત લેવાની પાઉલની યોજના
22તે જ કારણથી #રોમ. ૧:૧૩. તમારી પાસે આવતાં મને આટલી બધી વાર રોકાણ થયું છે. 23પણ હવે આ પ્રાંતોમાં મારે માટે કોઈ‍‍ સ્થળ બાકી રહ્યું નથી, અને ઘણાં વરસથી તમારી પાસે આવવાની મારી અભિલાષા છે. 24માટે જ્યારે હું સ્પેન જઈશ [ત્યારે હું તમારી પાસે આવીશ.] (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ, અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ.) 25પણ #૧ કોરીં. ૧૬:૧-૪. હાલ તો હું સંતોની સેવા કરવા માટે યરુશાલેમ જાઉં છું. 26કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના [ભાઈઓ] ને સારું લાગ્યું. 27તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના‌ ઋણી છે. કેમ કે #૧ કોરીં. ૯:૧૧. જો વિદેશીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગિયા થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે. 28તેથી એ કામ પૂરું કરીને અને એ ફળ તેઓને ચોકકસ પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ. 29હું જાણું છું કે તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદ લઈને આવીશ.
30હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે, 31હું યહૂદિયામાંના અવિશ્વાસીઓ [ના હુમલા] થી બચી જાઉં, અને યરુશાલેમ જઈને સંતોને માટે જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે. 32અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું, અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો. 33તમો સર્વની સાથે હો, આમીન.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in