ઝખાર્યા 12
12
શત્રુઓનો વિનાશ-યરૂશાલેમનો ઉદ્ધાર
1ઇસ્રાએલને લગતી દેવ વાણી, આકાશને ફેલાવનાર અને પૃથ્વીને સ્થિર કરનાર તથા માણસની અંદર જીવ પૂરનાર યહોવાના આ વચન છે: 2“હું યરૂશાલેમને પડોશી પ્રજાઓ માટે કેફી પ્યાલા જેવો બનાવીશ કે જે નગર પર હુમલો કરશે, તેઓ પણ યહૂદિયા પર હુમલો કરશે. તેઓ યહૂદિયાને પણ ઘેરો ઘાલશે. 3તે દિવસે હું યરૂશાલેમને બધી પ્રજાઓ માટે ભારે શિલારૂપ બનાવી દઇશ. જે કોઇ તેને ઉપાડવા જશે તે ભયંકર રીતે ઘવાશે. પૃથ્વી ઉપરની બધી પ્રજાઓ ભેગી થઇને તેનો સામનો કરશે. 4તે દિવસ તેની સામે થનાર સૈન્યોને હું મૂંઝવી નાખીશ અને તેઓને મૂર્ખા બનાવીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી નજર રાખીશ. પણ તેના દુશ્મનોને આંધળા કરી નાખીશ. 5અને યહૂદિયાના કુળના સરદારો લોકોને પ્રોત્સાહન આપશે તેઓ કહેશે, ‘સૈન્યોનો યહોવા તમારા દેવ છે જેણે આપણને પ્રબળ કર્યા છે.’ 6તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને વનમાં આગ લગાડનાર ચિંગારી સમાન અને ઘાસની ગંજીને આગ ચાંપનાર મશાલ સમાન બનાવીશ. તે જમણી અને ડાબી બાજુના પડોશી દેશોને બાળી નાખશે પણ યરૂશાલેમ અડગ રહેશે.”
7યહોવા, પહેલાં યહૂદિયાના ગામોને વિજયી બનાવશે, તે બતાવવા કે દાઉદનું કુળ અને યરૂશાલેમ યહૂદિયાના બીજા લોકો કરતા ચડિયાતા નથી. 8તે દિવસે હું યરૂશાલેમના વતનીઓનું રક્ષણ કરીશ, જેથી તેઓમાંનો નબળામાં નબળો માણસ પણ દાઉદ જેવો બળવાન બની જશે. અને દાઉદના કુટુંબો દેવની જેમ, યહોવાના દૂતની જેમ તેમની આગળ હશે.
9“તે દિવસે હું યરૂશાલેમની સામે ચઢી આવનાર બધી પ્રજાઓનો નાશ કરનાર છું. 10પછી હું દાઉદના અને યરૂશાલેમના વતનીઓમાં તે દિવસે કરૂણા અને પ્રાર્થનાની ભાવના જગાડીશ, અને તેઓએ જેમને રહેંસી નાખ્યા છે તેના માટે શોક કરશે જેવી રીતે જેઓ પોતાના એક જ સંતાન માટે શોક કરે છે, જેવી રીતે જેઓ પોતાના પહેલા બાળક માટે રડે છે. 11અને મગિદોનની ખીણમાં હદાદરિમ્મોનના વિચારના જેવા ભારે વિચાર તે દિવસે યરૂશાલેમમાં થશે. 12દેશનાં સર્વ કુળો એકબીજાથી જુદા પડી જશે અને શોક કરશે. દાઉદના વંશજોના પુરુષો અલગ શોક પાળશે, અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; નાથાનના વંશજોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે. 13લેવીના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; શિમઇના કુટુંબના પુરુષો અલગ શોક પાળશે; અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે; 14અને બાકીના બધા કુટુંબોના પુરુષો અલગ શોક પાળશે અને તેમની પત્નીઓ અલગ શોક પાળશે.”
Currently Selected:
ઝખાર્યા 12: GERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International