YouVersion Logo
Search Icon

માર્ક 5

5
ઈસુ અશુદ્ધ આત્માઓ વળગેલાને સાજો કરે છે
માથ. 8:28-34; લૂક 8:26-39
1તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા. 2ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.
3તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું; 4કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું.
5તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. 6પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો.
7અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ‘ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.’” 8કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’”
9તેમણે તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.’” 10તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.
11હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 12તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, ‘તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો. 13ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું ટેકરી પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું.
14તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા. 15ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.
16દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી. 17તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે ‘અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.’”
18તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી. 19પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, ‘તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.’” 20તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા.
યાઈરની દીકરી અને રક્તપિત સ્ત્રી
માથ. 9:18-26; લૂક 8:40-56
21જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા. 22સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈર નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો; 23તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, ‘મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.’” 24ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી.
25એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો 26અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી, 27તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી.
28કેમ કે તેણે ધાર્યું કે, ‘જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.’” 29તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે ‘હું બીમારીથી સાજી થઈ છું.’”
30મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, ‘કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?’” 31તેના શિષ્યોએ તેમને કહ્યું કે, ‘તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?’” 32જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી.
33તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમના પગે પડી અને તેમને બધું સાચે સાચું કહ્યું. 34ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.’”
35તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’”
36પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહે છે કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.’” 37અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં. 38સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે.
39તે અંદર આવીને તેઓને કહે છે કે, ‘તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.’” 40તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા.
41છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, ‘ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.’” 42તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં. 43ઈસુએ તેઓને તાકીદ કરી કે, ‘કોઈ એ ન જાણે;’ અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.

Currently Selected:

માર્ક 5: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy