YouVersion Logo
Search Icon

માર્ક 4

4
વાવનારનું દ્રષ્ટાંત
માથ. 13:1-9; લૂક 8:4-8
1ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણાં લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા. 2અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું.
3 ‘સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં વધારે માટી ન હતી; અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં.
6 પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચીમળાઈ ગયા; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયા. 7બીજાં કાંટાનાં ઝાડવામાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; અને તેઓએ ફળ ન આપ્યું.
8 બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં. 9તેમણે તેઓને કહ્યું કે, ‘જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”
દ્રષ્ટાંતનો હેતુ
માથ. 13:10-17; લૂક 8:9-10
10જયારે તે એકાંતમાં હતા ત્યારે બાર શિષ્યો સહિત જેઓ તેમની પાસે હતા, તેઓએ તેમને આ દ્રષ્ટાંતો વિષે પૂછ્યું. 11તેમણે તેઓને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે; 12એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ પશ્ચાતાપ કરે અને તેઓને પાપની માફી મળે.
વાવનારનાં દ્રષ્ટાંતનો ખુલાસો
માથ. 13:18-23; લૂક 8:11-15
13તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો? 14વાવનાર વચન વાવે છે. 15રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે.
16 એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે; 17અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડીવાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી.
18 બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું, 19પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. 20જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપે છે.’”
માપ નીચે દીવો?
લૂક 8:16-18
21તેમણે તેઓને કહ્યું કે, ‘શું વાટકો નીચે અથવા પલંગ નીચે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે? શું દીવીની ઉપર મૂકવા સારુ નહિ? 22કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ઢાંકેલું છે તે એ સારુ છે કે ખુલ્લું કરવામાં આવે. 23જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”
24તેમણે તેઓને કહ્યું કે, ‘તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે; 25કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.’”
વૃદ્ધિ પામતા બીજનું દ્રષ્ટાંત
26તેમણે કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે, 27તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી. 28જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા. 29પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું ચલાવે છે; કેમ કે કાપણીનો વખત થયો હોય છે.
રાઈના દાણાનું દ્રષ્ટાંત
માથ. 13:31-32,34; લૂક 13:18-19
30તેમણે કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ? 31તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બીજ કરતાં તે નાનું હોય છે; 32પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.’”
33એવાં ઘણાં દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સમજી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતાં હતા. 34દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતાં ન હતા; પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા.
ઈસુ તોફાન શાંત પાડે છે
માથ. 8:23-27; લૂક 8:22-25
35તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, ‘આપણે પેલે પાર જઈએ.’” 36લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. 37પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.
38તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’” 39તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, ‘શાંત થા.’” ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ.
40તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?’” 41તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, ‘આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?’”

Currently Selected:

માર્ક 4: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy