YouVersion Logo
Search Icon

માથ. 9

9
ઈસુએ પક્ષધાતીને સાજો કર્યો
માર્ક 2:1-12; લૂક 5:17-20
1ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.”
3ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.” 4ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે,’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’ 6પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો,” તેથી ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું કે “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.”
7અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. 8તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો છે, એ માટે તેઓએ તેમનો મહિમા કર્યો.
માથ્થીનું શિષ્ય તરીકે તેડું
માર્ક 2:13-17; લૂક 5:27-32
9ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામના એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.
10ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?”
12ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.”
ઉપવાસ સંબંધી પ્રશ્ન
માર્ક 2:18-22; લૂક 5:33-39
14ત્યારે યોહાનના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?” 15ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.
16 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ મારતું નથી, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.
17 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો મશકો ફાટી જાય છે, દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, અને મશકોનો નાશ થાય છે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.”
અધિકારીની દીકરી સાજી કરાઈ, ઈસુના ઝભ્ભાની કોરને અડકનાર સાજી થઈ
માર્ક 5:21-43; લૂક 8:40-56
18ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.” 19ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.
20ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; 21કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.” 22ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, “દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;” અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.
23પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા; 24ત્યારે તેમણે કહ્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.” અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.
25લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી. 26તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
ઈસુ આંધળાઓને દ્રષ્ટિ આપે છે
27ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનોએ તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!” 28ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને કહ્યું છે કે, “હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહ્યું કે, ‘હા પ્રભુ.’”
29ત્યારે ઈસુએ તેઓની આંખોને અડકીને કહ્યું કે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” 30તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, “જોજો, કોઈ આ વિષે જાણે નહિ.” 31પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.
ઈસુ એક મૂંગાને સાજો કરે છે
32તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલાં એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા. 33દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!” 34પણ ફરોશીઓએ કહ્યું કે, “તે દુષ્ટાત્માઓનાં સરદારથી જ દુષ્ટાત્માઓ કાઢે છે.”
ઈસુને લોકો પર દયા આવી
35ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા; સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. 36લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા.
37ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. 38એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”

Currently Selected:

માથ. 9: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy