YouVersion Logo
Search Icon

માથ. 8

8
ઈસુ એક માણસને સાજો કરે છે
માર્ક 1:40-45; લૂક 5:12-16
1જયારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા. 2અને જુઓ, એક કુષ્ઠ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.” 3ત્યારે ઈસુએ પોતાનો હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.
4પછી ઈસુએ તેને કહ્યું કે, “જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ.”
ઈસુ રોમન અમલદારના‍ ચાકરને સાજો કરે છે
લૂક 7:1-10
5ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે, 6“ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.” 7ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “હું આવીને તેને સાજો કરીશ.”
8શતપતિએ ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે. 9કેમ કે હું પણ કોઈનાં અધિકાર હેઠળ છું અને સિપાઈઓ મારે સ્વાધીન છે. એકને હું કહું છું કે, ‘જા’, ને તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ’ અને તે આવે છે; અને મારા દાસને કહું છું કે, ‘એ પ્રમાણે કર’, ને તે કરે છે.” 10ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
11 હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે. 12પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.” 13ઈસુએ તે શતપતિને કહ્યું કે, “જા! જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ.” તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.
ઈસુ ઘણાં લોકોને સાજાકરે છે
માર્ક 1:29-34; લૂક 4:38-41
14ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ. 15ઈસુ તેના હાથને સ્પર્શ્યા, એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.
16સાંજ પડી ત્યારે લોકોએ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં. 17એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.”
ઈસુને અનુસરવાની ઇચ્છા
લૂક 9:57-62
18ઈસુએ લોકોની મોટી ભીડ પોતાની આસપાસ એકત્ર થયેલી જોય, ત્યારે તેમણે સરોવરની પેલે પાર જવાની આજ્ઞા કરી. 19એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” 20ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”
21તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, “પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.” 22પણ ઈસુએ તેને કહ્યું કે, “તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો.”
ઈસુ તોફાનને શાંત કરે છે
માર્ક 4:35-41; લૂક 8:22-25
23જયારે ઈસુ હોડી પર ચઢ્યાં, ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. 25ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!”
26પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. 27ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”
ઈસુ દુષ્ટાત્મા વળગેલા બેને સાજાં કરે છે
માર્ક 5:1-20; લૂક 8:26-39
28જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલાં બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા; તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. 29જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, “ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?”
30હવે તેઓથી થોડેક દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. 31દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, “જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળાંમાં અમને મોકલો.” 32ઈસુએ તેઓને કહ્યું કે, ‘જાઓ!’ પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.
33ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાંઓને શું થયું તે પણ કહ્યું. 34ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.

Currently Selected:

માથ. 8: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy