YouVersion Logo
Search Icon

માથ. 13

13
બી વાવનારનું દ્રષ્ટાંત
માર્ક 4:1-9; લૂક 8:4-8
1તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા. 2અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.
3ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. 6પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.
7 કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં. 8બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં. 9જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”
દ્રષ્ટાંતો વાપરવાનો હેતુ
માર્ક 4:10-12; લૂક 8:9-10
10પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?” 11ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી. 12કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
13 એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી. 14યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ. 15કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”
16 પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે. 17હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.
ઈસુ બી વાવનારનું દ્રષ્ટાંત સમજાવે છે
માર્ક 4:13-20; લૂક 8:11-15
18 હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. 19‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.
20 પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે; 21તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.
22 કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. 23સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”
ઘઉં અને કડવા દાણા
24ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું. 25પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. 26પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
27 ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’ 28તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’”
29 પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. 30કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”
રાઈના બીજનું દ્રષ્ટાંત
માર્ક 4:30-32; લૂક 13:18-19
31ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. 32તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”
ખમીરનું દ્રષ્ટાંત
લૂક 13:20-21
33તેમણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”
દ્રષ્ટાંતોનો ઉપયોગ
માર્ક 4:33-34
34એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી; દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ. 35એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “હું મારું મુખ ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, સૃષ્ટિનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”
ઈસુ કડવા દાણાનું દ્રષ્ટાંત સમજાવે છે
36ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 37ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે. 38ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે; 39જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે.
40 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. 41માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે, 42અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 43ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
સંતાડેલા દ્રવ્યનું દ્રષ્ટાંત
44 વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
મોતીનું દ્રષ્ટાંત
45 વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. 46જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
જાળનું દ્રષ્ટાંત
47 વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા. 48જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.
49 એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, 50અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
જૂનાં અને નવાં સત્યો
51 શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓએ ઈસુને કહ્યું કે, “હા.” 52ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”
નાસરેથમાં ઈસુનો નકાર
માર્ક 6:1-6; લૂક 4:16-30
53ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા. 54પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી? 55શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી? 56શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”
57તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.” 58તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.

Currently Selected:

માથ. 13: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy