YouVersion Logo
Search Icon

માથ. 12

12
વિશ્રામવારના પાલનનો પ્રશ્ન
માર્ક 2:23-28; લૂક 6:1-5
1તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા. 2ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”
3પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? 4તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
5 અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? 6પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
7 વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત. 8કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
સુકાઈ ગયેલા હાથવાળો માણસ
માર્ક 3:1-6; લૂક 6:6-11
9ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા. 10ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
11ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે? 12તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
13ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો. 14ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
ઈશ્વરનો મનપસંદ સેવક
15પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા. 16તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’, 17એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 18“જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે. 19તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે. 20જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે. 21બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”
ઈસુ અને બાલઝબૂલ
માર્ક 3:20-30; લૂક 11:14-23
22ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. 23સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”
24પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.” 25ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પાડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પાડે, તે સ્થિર નહિ રહેશે.
26 જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે? 27જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
28 પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. 29વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. 30જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
31 એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે. 32માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.
જેવું ઝાડ તેવું ફળ
લૂક 6:43-45
33 ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. 34ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. 35સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.
36 વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. 37કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”
નિશાનીની માંગણી અને નકાર
માર્ક 8:11-12; લૂક 11:29-32
38ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.” 39પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 40કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.
41 ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
42 દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
અશુદ્ધ આત્મા પાછો આવ્યો
લૂક 11:24-26
43 જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. 44ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે. 45પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”
ઈસુનાં મા અને ભાઈઓ
માર્ક 3:31-35; લૂક 8:19-21
46ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં. 47ત્યારે કોઈએ તેમને કહ્યું કે, “જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.”
48પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” 49તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, “જુઓ મારી મા તથા મારા ભાઈઓ! 50કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.”

Currently Selected:

માથ. 12: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy