YouVersion Logo
Search Icon

યોહ. 12

12
બેથાનિયામાં ઈસુનો અભિષેક
માથ. 26:6-13; માર્ક 14:3-9
1પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો. 2માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો. 3તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.
4તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે, 5‘એ અત્તર ત્રણસો દીનારે ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?’” 6હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.
7ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે. 8કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.’”
લાજરસ વિરુદ્ધ કાવતરું
9ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા. 10મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી. 11કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ
માથ. 21:1-11; માર્ક 11:1-11; લૂક 19:28-40
12બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; 13ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.
14ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે, 15‘ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.’” 16પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.
17તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું. 18તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું. 19તે માટે ફરોશીઓએ પરસ્પર કહ્યું કે, ‘જુઓ, આપણું તો કંઈ વળતું નથી; જુઓ, આખું માનવજગત તેમની પાછળ ગયું છે.
ગ્રીકો દ્વારા ઈસુની શોધ
20હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા; 21માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’” 22ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપે આવીને ઈસુને કહ્યું.
23ત્યારે ઈસુએ તેઓને જવાબ કહ્યું કે, ‘માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24હું તમને નિશ્ચે કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી, તો તે એકલો રહે છે; પણ જો તે મરે, તો તે ઘણાં ફળ આપે છે.
25 જે પોતાનો જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. 26જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.
પોતાના મૃત્યુ વિષેની ઈસુની આગાહી
27 હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું. 28ઓ બાપ, તમારા નામનો મહિમા થાઓ, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘મેં તેનો મહિમા કર્યો છે અને ફરી કરીશ.’” 29ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે, ‘ગર્જના થઈ;’ બીજાઓએ કહ્યું કે, ‘સ્વર્ગદૂતે તેમની સાથે વાત કરી.’”
30ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.’” 31હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.
32 અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ. 33પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું.
34એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’” 35ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે. 36જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ.
લોકોનો અવિશ્વાસ
એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.
37ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. 38એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?’”
39તે માટે તેઓ વિશ્વાસ કરી ન શક્યા, કેમ કે વળીપાછું યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, 40‘તેઓ આંખોથી દેખે નહિ, મનથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન કઠોર થઈ ગયા છે.’”
41યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો. 42તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ. 43કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતા હતા.
ઈસુના શબ્દો દ્વારા ન્યાય
44ત્યારે ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, ‘મારા પર જે વિશ્વાસ કરે છે, તે એકલો મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર પણ વિશ્વાસ રાખે છે. 45જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેમને પણ જુએ છે.
46 જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે, તે અંધકારમાં રહે નહિ માટે દુનિયામાં હું પ્રકાશરૂપે આવ્યો છું. 47જો કોઈ મારી વાતો સાંભળીને તેને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું માનવજગતનો ન્યાય કરવા માટે નહીં, પણ માનવ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.
48 જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે. 49કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે. 50તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.

Currently Selected:

યોહ. 12: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy