YouVersion Logo
Search Icon

યોહ. 11

11
લાજરસનું મૃત્યુ
1બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા. 2મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.
3તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે. 4પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.
5માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. 6તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા. 7ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.
8શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’” 9ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
10 પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’” 11તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”
12ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’” 13ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું. 14ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.
15 હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’” 16ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”
પુનરુત્થાન તથા જીવન હું છું
17હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે. 18હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું. 19માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા. 20ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.
21ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ. 22પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’” 23ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”
24માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’” 25ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે. 26અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” 27તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.
ઈસુ રડ્યા
28એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’” 29એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.
30ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. 31ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા. 32ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.
33ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને, 34પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ. 35ઈસુ રડ્યા.
36એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા! 37પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”
લાજરસ સજીવન કરાયો
38ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. 39ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’” 40ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”
41ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. 42તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”
43એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’” 44ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
ઈસુની વિરુદ્ધ કાવતરું
માથ. 26:1-5; માર્ક 14:1-2; લૂક 22:1-2
45તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. 46પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.
47એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે. 48જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે.
49પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી, 50વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’”
51તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે. 52અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે. 53તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.
54તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં. 55હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.
56માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’” 57હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે.

Currently Selected:

યોહ. 11: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy