YouVersion Logo
Search Icon

યર્મિ. 2

2
પ્રજા અને યહોવાહ વચ્ચેનો પ્રેમ
1યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું,
2“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે;
અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી,
તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું
3ઇઝરાયલ યહોવાહને માટે પવિત્ર છે. અને તેમના પાકની પહેલી ફસલ છે.
જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે! તેઓ પર આફત આવશે એમ યહોવાહ કહે છે.
ઇઝરાયલના પૂર્વજોનાં પાપ
4હે યાકૂબનાં કુટુંબો તથા ઇઝરાયલના સર્વ કુળસમૂહો, યહોવાહનું વચન સાંભળો;
5યહોવાહ કહે છે; તમારા પિતૃઓને મારામાં કયો દોષ માલૂમ પડ્યો છે કે તેઓ મને તજીને દૂર ચાલ્યા ગયા?
તેઓ વિસાત વગરની મૂર્તિઓની પાછળ ગયા છે અને પોતે પણ વ્યર્થ થયા છે?
6તેઓએ પૂછ્યું નહી કે, “યહોવાહ ક્યાં છે, જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા?
જે અમને અરણ્યમાં, ઉજ્જડ તથા
ખાડાટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા અંધકારની ભૂમિમાં,
જ્યાં કોઈ માણસ ક્યારેય જતું નહોતું કે જ્યાં કોઈ માણસે ક્યારેય વસવાટ કર્યો નથી તેમાં થઈને ચલાવ્યાં તે યહોવાહ ક્યાં છે?”
7હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો!
પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કારપાત્ર બનાવી દીધો!
8યાજકોએ કદી પૂછ્યું નથી કે, “યહોવાહ ક્યાં છે?” શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી.
અને અધિકારીઓએ મારી સામે બળવો કર્યો છે.
પ્રબોધકોએ બઆલને નામે પ્રબોધ કર્યો. અને જે હિતકારક નથી તેની પાછળ તેઓ ગયા.
પોતાના લોકોની સાથે યહોવાહનો વિવાદ
9આથી હું તમારી સાથે વિવાદ કરીશ એમ યહોવાહ કહે છે. અને હું તમારા દીકરાઓના દીકરાઓ સાથે વિવાદ કરીશ.
10પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો
અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું?
11શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓના દેવો તો દેવો જ નથી પણ જેનાથી હિત થતું નથી તેને સારુ,
મારા લોકોએ તો પોતાનું ગૌરવ બદલ્યું છે.
12ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે.
13કેમ કે મારા લોકોએ મારી વિરુદ્ધ બે દુષ્ટ પાપ કર્યાં છે; તેઓએ મને એટલે જે જીવનજળનું ઝરણું છે તેનો ત્યાગ કર્યો છે,
અને જેમાં જળ રહી શકતું નથી એવા ટાંકાં તેઓએ પોતાને માટે ખોદ્યા છે!
ઈશ્વર ત્યાગના માઠાં પરિણામ
14શું ઇઝરાયલ દાસ છે? તે શું શેઠના ઘરમાં જન્મેલો દાસ છે? તે શા માટે લૂંટાઈ ગયો છે?
15જુવાન સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓએ તેની ભૂમિ વેરાન કરી છે.
તેનાં નગરો બાળી નંખાયેલાં છે તેઓમાં કોઈ રહેતું નથી.
16વળી નોફના તથા તાહપન્હેસના લોકોએ તારી ખોપરી ભાંગી નાખી છે.
17જ્યારે યહોવાહ તારા ઈશ્વર માર્ગમાં તને ચલાવતા હતા ત્યારે તેં તેમને ત્યજી દીધા
તેથી શું તું જ આ દશા તારી પર લાવ્યો નથી?
18તેથી હવે, મિસરના માર્ગે જઈને નાઇલ નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?
અને આશ્શૂરના માર્ગે જઈને ફ્રાત નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?
19તારાં પોતાનાં જ દુષ્કર્મોનાં પરિણામ તું ભોગવશે, તથા તારા અવિશ્વાસુપણાનાં કામોનો તને ઠપકો મળશે. માટે તારે સમજી લેવું કે,
તેં યહોવાહ તારા ઈશ્વરને ત્યજી દીધા છે.
અને તને તેમનું ભય નથી. એ કેટલું અનિષ્ટ અને કડવું છે. એમ પ્રભુ એટલે સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે.
ઈશ્વરની પાછળ ચાલવાની ઇઝરાયલની ના
20પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી નાખી; અને મેં તારાં બંધનો તોડી નાખ્યાં. તે છતાં તેં કહ્યું કે,
“હું તમારી સેવા કરીશ નહિ” કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તેં વ્યભિચાર કર્યો છે.
21પણ મેં પોતે તને પસંદ કરી રોપ્યો ત્યારે તું ઉત્તમ દ્રાક્ષવેલો, તદ્દન અસલ બીજ હતો.
તો તું બદલાઈને અવિશ્વાસુ થયો અને મારી પ્રત્યે દ્રાક્ષવેલાનો નકામો છોડ થઈ ગયો છે!
22જો તું પોતાને ખારાથી ધૂએ તથા પોતાને ખૂબ સાબુ લગાવે,
તોપણ તારા પાપના ડાઘ મારી નજર સમક્ષ છે. એમ પ્રભુ યહોવાહ કહે છે.
23તું કેવી રીતે કહી શકે કે, ‘હું અશુદ્ધ થયો નથી! હું બઆલની પાછળ ચાલ્યો નથી?’
નીચાણમાં તારો માર્ગ જો તેં જે કર્યું છે તે સમજ, તું તો વેગવાન સાંઢણીના જેવો આમતેમ ભટકે છે.
24તું જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ સૂંઘ્યા કરે છે.
જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ રોકી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ. પોતાની ઋતુમાં તે તેઓને મળશે. અને ઊભી રહેશે.
25તું તારા પગને ખુલ્લાં તથા તારા ગળાને તૃષિત થવા ન દે.
પણ તું કહે છે, “મને આશા નથી! જરા પણ નથી, કેમ કે અજાણ્યાઓ પ્રત્યે મેં પ્રીતિ કરી છે અને તેઓની પાછળ હું જઈશ.”
સજાપાત્ર પ્રજા
26ચોર પકડાય અને તે લજવાય છે, તેમ ઇઝરાયલના લોકોને,
એટલે તેઓ, તેઓના રાજાઓ, તેઓના રાજકુમારો,
તેઓના યાજકો અને તેઓના પ્રબોધકોને શરમ લાગે છે.
27તેઓ થડને કહે છે “તું મારો પિતા છે,” અને પથ્થરને કહે છે “તેં મને જન્મ આપ્યો છે.”
તમે મારી તરફ મુખ નહિ પણ પીઠ ફેરવી છે, તથાપિ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે કે, “ઊઠો અમને બચાવો”
28પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ જો તારા સંકટમાં તને બચાવે તો ભલે તેઓ ઊઠે,
કેમ કે હે યહૂદિયા જેટલાં તારાં નગર છે તેટલાં તારા દેવો પણ છે!
29તમે શા માટે મારી સાથે વિવાદ કરો છો? તમે સર્વએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે, એમ યહોવાહ કહે છે.
30મેં તમારા લોકોને માર્યા તે વ્યર્થ છે. તેઓએ શિક્ષા ગણકારી નથી.
તમારી તલવાર ભૂખ્યા સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ ગઈ છે.
31હે મારા વંશજ, તમે યહોવાહનું વચન જુઓ, શું હું ઇઝરાયલ માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો?
મારા લોકો શા માટે કહે છે કે, “અમે સ્વતંત્ર થયા છીએ, ફરી તારી પાસે આવીશું નહિ?”
32શું કુંવારી કન્યા કદી પોતાનાં ઘરેણાં અથવા નવવધૂ પોતાના કમરપટા ભૂલે?
તેમ છતાં મારી પ્રજા ઘણા દિવસોથી મને ભૂલી ગઈ છે.
33પ્રેમ શોધવા સારુ તું પોતાનો માર્ગ કેવો બરાબર રાખે છે.
તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું તારા પાપી માર્ગો શીખવે છે.
34વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું લોહી મળી આવ્યું છે.
તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડ્યાં એમ તો નહિ પણ આ સર્વ ઉપર તે લોહી છે.
35તેમ છતાં તું કહે છે, “હું નિર્દોષ છું, તેમનો કોપ મારા પરથી નિશ્ચે ઊતર્યો છે.”
“તું કહે છે કે મેં પાપ નથી કર્યું” પણ જો હું તારો ન્યાય કરીશ.”
36તું શા માટે તારો માર્ગ બદલવા માટે આમતેમ ભટકે છે?
તું આશ્શૂરથી લજ્જિત થયો હતો, તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.
37તારો હાથ તારે માથે રાખીને તું તેની પાસેથી નીકળી જઈશ.
કેમ કે જેના પર તે વિશ્વાસ મૂક્યો હતો તેઓને યહોવાહે નાકબૂલ કર્યા છે. તેઓ તરફથી તને કોઈ મદદ મળશે નહિ.

Currently Selected:

યર્મિ. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy