YouVersion Logo
Search Icon

યર્મિ. 1

1
1હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન; 2યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું, 3યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.
યર્મિયાને તેડું
4યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે;
5“ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો;
અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે.”
6“મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!”
7પરંતુ યહોવાહે મને કહ્યું કે,
“હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા.
અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે.
8તે લોકોથી બીશ નહિ, કેમ કે તેઓથી તારો છુટકારો કરવા હું તારી સાથે છું. એવું યહોવાહ કહે છે.”
9પછી યહોવાહે પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કર્યો. અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10ઉખેડી નાખવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા સારુ,
મેં આજે તને પ્રજાઓ અને રાજ્યો પર નીમ્યો છે.”
બે સંદર્શનો
11પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું; “હે યર્મિયા તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું બદામડીનો ફણગો જોઉં છું.” 12ત્યારે યહોવાહે મને કહ્યું, “તેં બરાબર જોયું છે, કેમ કે મારું વચન પૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.”
13બીજીવાર યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાંડલું જોઉં છું, તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.” 14યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે.
15કેમ કે યહોવાહ કહે છે, જો, હું ઉત્તરનાં સર્વ કુળોને બોલાવીશ તેઓ આવશે, પછી યરુશાલેમની ભાગળો પાસે તથા આસપાસ તેના સર્વ કોટની સામે, તેમ જ યહૂદિયાનાં બધાં નગરોની સામે તેઓ પોતપોતાનું સિંહાસન ઊભું કરશે. 16જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.
17તેથી તું તારી કમર બાંધીને ઊઠ. અને જે કંઈ હું તને ફરમાવુ તે તું તેઓને કહે. તેઓથી તું ગભરાઈશ નહિ, રખેને હું તને તેઓની આગળ ભયગ્રસ્ત કરું. 18અને જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, તેના અધિકારીઓની સામે, તેના યાજકોની સામે તથા દેશના સર્વ રહેવાસીઓની સામે મેં આજે તને કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને પિત્તળના કોટ જેવો કર્યો છે. 19તેઓ તારી સામે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કેમ કે હું તારે પડખે રહી તારો બચાવ કરીશ.” એવું યહોવાહ કહે છે.

Currently Selected:

યર્મિ. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy