YouVersion Logo
Search Icon

2 કાળ. 34

34
યહૂદિયાની ગાદીએ યોશિયા
2 રાજા. 22:1-2
1જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. 2તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું અને પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે ખસ્યો નહિ.
યોશિયાની મૂર્તિપૂજા સામે ઝૂંબેશ
3તેના શાસનના આઠમે વર્ષે, એટલે કે જયારે તે માત્ર સોળ વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. બારમા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.
4લોકોએ તેની આગળ બઆલિમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ ઉચ્ચસ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો. 5તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકાં બાળ્યાં. આ રીતે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યાં.
6તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું. 7તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.
નિયમશાસ્ત્રનું પુસ્તક જડ્યું
2 રાજા. 22:3-20
8હવે તેના રાજ્યના અઢારમાં વર્ષે, દેશને તથા સભાસ્થાનને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર શાફાનને, નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું સભાસ્થાન સમારવા માટે મોકલ્યા. 9તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા, એફ્રાઇમ તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતાં તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલાં હતાં તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યાં.
10તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યાં. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારુ તે આપ્યાં. 11તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા સારુ તથા જે ઈમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારુ જોઈતા પાટડા લેવાને સારુ તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યાં.
12તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા. 13આ લેવીઓ ભાર ઊંચકનારાઓ તેમ જ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા.
14ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલાં નાણાંને જયારે તેઓ બહાર કાઢતાં હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું. 15તે બતાવતાં હિલ્કિયાએ શાફાન શાસ્ત્રીને કહ્યું, “ઈશ્વરના સભાસ્થાનમાંથી મને નિયમનું આ પુસ્તક મળ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપી દીધું. 16શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, “તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે.
17જે નાણાં ઈશ્વરના ઘરમાં હતાં તે તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધાં છે.” 18શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું. 19રાજાએ જયારે નિયમશાસ્ત્રનાં વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
20હિલ્કિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાસ્ત્રી શાફાનને તથા રાજાના સેવક અસાયાને રાજાએ હુકમ કર્યો કે, 21“તમે જાઓ અને મારી ખાતર તેમ જ ઇઝરાયલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા આ પુસ્તકનાં વચનો સંબંધી ઈશ્વરની ઇચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે, તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી.”
22તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી.
23તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો, 24“ઈશ્વર કહે છે કે, ‘જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્તકમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું. 25કારણ, તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને પોતાનાં બધાં કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા પર સળગશે અને હોલવાશે નહિ.’”
26પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: “ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે 27જયારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારાં વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારાં વસ્ત્ર ફાડ્યાં અને મારી સમક્ષ તું રડ્યો તેથી મેં તારી અરજ સાંભળી છે - એમ ઈશ્વર કહે છે. 28‘જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
કરારનાં વચન પાળવા યોશિયાની પ્રતિજ્ઞા
2 રાજા. 23:1-20
29પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. 30પછી રાજાએ, યહૂદિયાના સર્વ માણસો તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાનામોટાં સર્વ લોકોને પોતાની સાથે યહોવાહના ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યાં.
31રાજાએ તેની જગાએ ઊભા રહીને ઈશ્વર સમક્ષ એ વચનો પ્રમાણે અનુસરવાની, તેમની બધી આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો અને વિધિઓનું પૂર્ણ હૃદયથી પાલન કરવાની અને પુસ્તકમાં લખેલા કરારના બધા વચનો પાળવાની પ્રતિજ્ઞા લીધી. 32બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમંતિ લીધી. યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.
33યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબામાં જે પ્રદેશ હતા ત્યાંથી સર્વ પ્રકારની ઘૃણાસ્પદ વસ્તુઓને દૂર કરી. તેણે તેમના ઈશ્વર પ્રભુની આરાધના કરવાની આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના ઈશ્વરના માર્ગમાંથી પાછા ફર્યા નહિ.

Currently Selected:

2 કાળ. 34: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy