YouVersion Logo
Search Icon

2 કાળ. 33

33
યહૂદિયાની ગાદીએ મનાશ્શા અને તેનાં પાપ
2 રાજા. 21:1-9
1મનાશ્શા બાર વર્ષની ઉંમરે રાજા બન્યો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ. 2ઇઝરાયલીઓની આગળથી ઈશ્વરે જે પ્રજાઓને કાઢી મૂકી હતી તેઓના જેવાં ધિક્કારપાત્ર કાર્યો કરીને તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કાર્ય કર્યું. 3તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં તે તેણે ફરી બંધાવ્યાં. વળી તેણે બઆલિમને માટે વેદીઓ અને અશેરોથની મૂર્તિઓ બનાવી તેમ જ આકાશના બધાં નક્ષત્રોની પૂજા કરી.
4જે યહોવાહના સભાસ્થાન વિષે ઈશ્વરે એમ કહ્યું હતું કે, “યરુશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે.” તેમાં તેણે અન્ય દેવોની વેદીઓ બંધાવી. 5તે યહોવાહના સભાસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશના તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી. 6વળી તેણે બેન-હિન્નોમની ખીણમાં પોતાનાં જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલીવિદ્યા કરી, જાદુમંત્રનો ઉપયોગ કર્યો અને ભૂવાઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યાં.
7મનાશ્શાએ અશેરાની કોતરેલી મૂર્તિઓ બનાવીને ઈશ્વરના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે ઈશ્વરે દાઉદ તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, “આ ઘરમાં તેમ જ યરુશાલેમ કે, જે નગર મેં ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ. 8જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓને આધીન રહેશો તો તમારા પૂર્વજોને મેં આપેલા આ દેશમાંથી ઇઝરાયલને હું કદી કાઢી મૂકીશ નહિ.” 9મનાશ્શાએ યહૂદિયાના તથા યરુશાલેમનાં રહેવાસીઓને ભુલાવામાં દોર્યા, જેથી જે પ્રજાનો ઈશ્વરે ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેઓની દુષ્ટતા વધારે હતી.
મનાશ્શાનો પસ્તાવો
10ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ. 11તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશ્શૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.
12મનાશ્શા જયારે સંકટમાં ફસાઈ ગયો, ત્યારે તેણે પોતાના પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પૂર્વજોના ઈશ્વરની આગળ અતિશય નમ્ર બન્યો. 13તેણે તેમની પ્રાર્થના કરી; અને ઈશ્વરે તેની વિનંતી કાને ધરીને તેની પ્રાર્થના માન્ય કરી તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. પછી મનાશ્શાને ખાતરી થઈ કે યહોવાહ તે જ ઈશ્વર છે.
14આ પછી, મનાશ્શાએ દાઉદનગરની બહારની દીવાલ ફરીથી બાંધી, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં મચ્છી દરવાજા સુધી તે દીવાલ બાંધી. આ દીવાલ ઓફેલની આસપાસ વધારીને તેને ઘણી ઊંચી કરી. તેને યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં નીડર સરદારોની નિમણૂક કરી. 15તેણે વિદેશીઓના દેવોને, ઈશ્વરના ઘરમાંથી પેલી મૂર્તિઓને તથા જે સર્વ વેદીઓ તેણે ઈશ્વરના ઘરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને તોડી પાડીને તેનો ભંગાર નગરની બહાર નાખી દીધો.
16તેણે ઈશ્વરની વેદી ફરી બંધાવી. અને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા; તેણે યહૂદિયાને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવા કરવાની આજ્ઞા આપી. 17તેમ છતાં હજી પણ લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, પણ તે ફક્ત પોતાના પ્રભુ ઈશ્વરને માટે જ કરતા.
મનાશ્શાના રાજ્યકાળનો અંત
2 રાજા. 21:17-18
18મનાશ્શાનાં બાકીનાં કાર્યો સંબંધીની, તેણે કરેલી તેમના ઈશ્વરની પ્રાર્થનાની અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરને નામે પ્રબોધકોએ ઉચ્ચારેલાં વચનોની સર્વ વિગતો ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે. 19તેણે કરેલી પ્રાર્થના, ઈશ્વરે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો તથા અપરાધ, જે જગ્યાઓમાં તેણે ધર્મસ્થાનો બાંધ્યાં અને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ બાબતોની નોંધ પ્રબોધકના પુસ્તકમાં કરવામાં આવેલી છે. 20મનાશ્શા પોતાના પૂર્વજો સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને તેના પોતાના મહેલમાં દફનાવ્યો. તેના પછી તેનો દીકરો આમોન રાજા બન્યો.
યહૂદિયાની ગાદીએ આમોન
2 રાજા. 21:19-26
21આમોન જયારે રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું. 22જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખોટું હતું તે જ પ્રમાણે કર્યું. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને બલિદાન આપ્યાં અને તેઓની પૂજા કરી. 23જેમ તેનો પિતા મનાશ્શા નમ્ર થઈ ગયો હતો તેમ તે ઈશ્વરની આગળ નમ્ર થયો નહિ. પરંતુ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.
24તેના ચાકરોએ તેની વિરુદ્ધમાં બળવો કરીને તેને તેના પોતાના જ મહેલમાં જ મારી નાંખ્યો. 25પણ દેશના લોકોએ, આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.

Currently Selected:

2 કાળ. 33: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy