YouVersion Logo
Search Icon

1 કરિં. 15

15
સજીવન થયેલા ખ્રિસ્ત
1હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, 2જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યાં છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહિ તો જ તમે ઉદ્ધાર પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.
3કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા; 4વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’”
5કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું. 6ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે. 7ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.
8સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું. 9કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.
10પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; મારા પર તેમની જે કૃપા છે તે વિનાકારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા. 11હું કે તેઓ, એમ અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, અને તે પર તમોએ વિશ્વાસ કર્યો છે.
આપણા સજીવન થવા વિષે સમજણ
12પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી?’ 13પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. 14અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.
15અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી. 16કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. 17અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.
18અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. 19જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
20પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે. 21કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.
22કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે. 23પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.
24જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે. 25કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. 26જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.
27કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, ‘સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.’” 28પણ જયારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહિ થાય પણ પિતાને આધીન થશે એ સારુ કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય.
29જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે? 30અમે પણ વારંવાર જોખમમાં શા માટે પડીએ છીએ?
31ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારા વિષે મારો જે આનંદ છે તેની ખાતરી સાથે કહું છું કે, ‘હું દિનપ્રતિદિન મરું છું. 32જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો તો મને શો લાભ છે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો આપણે ખાઈએ કે પીઈએ એમાં શું ખોટું છે. કેમ કે કાલે મરવાના છીએ.
33ખાસ યાદ રાખો; ખરાબ સંગત સારા આચરણને બગાડે છે. 34ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.
સજીવન થયેલું શરીર
35પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે? 36ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ.
37જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજના. 38પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે. 39સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.
40સ્વર્ગીય શરીરો છે તેમ જ પૃથ્વી પરનાં શરીરો પણ છે. સ્વર્ગીય શરીરોનો વૈભવ જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો વૈભવ જુદો છે. 41સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.
42મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે. 43અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. 44ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે.
45લખ્યું છે કે, ‘પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો. 46આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક.
47પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. 48જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. 49આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું.
50હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી. 51જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડું વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું.
52કેમ કે રણશિંગડું વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે. 53કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે.
54જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’” 55અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’”
56મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે; 57પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
58એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ, તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી.

Currently Selected:

1 કરિં. 15: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy