YouVersion Logo
Search Icon

રૂથ 1

1
એલીમેલેખનું કુટુંબ મોઆબ જાય છે
1ઇઝરાયલ દેશમાં ન્યાયાધીશો વહીવટ કરતા હતા ત્યારે ત્યાં એકવાર કારમો દુકાળ પડયો. એથી યહૂદિયા પ્રાંતના બેથલેહેમ ગામમાંથી એક માણસ પોતાની પત્ની અને બે પુત્રો સાથે મોઆબ દેશમાં જઈને થોડાએક સમય માટે વસ્યો. 2તે માણસનું નામ એલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનાં નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમમાં વસેલા એફ્રાથી ગોત્રનાં હતાં. તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં જ ઠરીઠામ થયાં. 3થોડા સમય બાદ એલીમેલેખનું મરણ થયું, અને તે પોતાની પાછળ નાઓમી અને બે પુત્રોને મૂકી ગયો. નાઓમી તેના બે પુત્રોની સાથે રહેતી. 4તેમણે મોઆબ દેશની યુવતીઓ સાથે લગ્ન કર્યાં, એકનું નામ ઓર્પા અને બીજીનું નામ રૂથ હતું. તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં. 5એ અરસામાં માહલોન અને કિલ્યોન પણ મરણ પામ્યા. પતિ અને પુત્રોથી વિયોગી થતાં નાઓમી એકલી જ રહી ગઈ.
રૂથ અને નાઓમી બેથલેહેમ પાછા ફર્યાં
6નાઓમીને મોઆબ દેશમાં જ ખબર પડી કે પ્રભુએ પોતાના લોક પર રહેમનજર કરીને મબલક પાક આપ્યો છે. તેથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને પોતાના વતનમાં પાછી જવા તૈયાર થઈ. 7તેઓ રહેતાં હતાં ત્યાંથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે ચાલી નીકળી અને યહૂદિયા પાછી જવાને રસ્તે પડી. 8પણ રસ્તે જતાં નાઓમીએ તેમને કહ્યું, “હવે તમે પાછી જાઓ, ને તમારા પિયરમાં જ રહો. તમે જેમ મારી અને મારા કુટુંબની સાથે ભલાઈપૂર્વક વર્તી છો તેમ પ્રભુ પણ તમારી સાથે વર્તો. 9ઈશ્વર એવું કરો કે તમારાં ફરી લગ્ન થાય અને તમારું ઘર બંધાય.” એમ બોલીને નાઓમીએ તેમને ચુંબન કરી વિદાય આપી. તેઓ પોક મૂકીને રડી પડી. 10તેમણે નાઓમીને કહ્યું, “ના, ના, અમે તો તમારી સાથે તમારા લોક પાસે જ આવીશું.” 11નાઓમીએ કહ્યું, મારી દીકરીઓ, તમારે પાછા ફરવું જ જોઈએ. મારી સાથે આવવાથી તમને કંઈ લાભ થવાનો નથી. શું તમારી સાથે લગ્ન કરાવવા મારી પાસે હજી પણ પુત્રો છે? 12દીકરીઓ, પાછી ફરો. ફરી લગ્ન કરવાની મારી ઉંમર વીતી ગઈ છે. છતાં હું માનું કે હજી મારે વિષે કંઈક આશા છે અને ધારો કે આજે રાત્રે જ હું લગ્ન કરું અને પુત્રો#1:12 પ્રાચીન કાળમાં ઈઝરાયલમાં એવો રિવાજ હતો કે સ્ત્રીનો પતિ મરણ પામે તો તેનો નાનો ભાઈ તેની સાથે લગ્ન કરે. જેથી કુટુંબનું નામ અને વારસો જળવાઈ રહે. થાય, 13તો ય તેઓ ઉંમરલાયક થાય ત્યાં સુધી તમે રાહ જોશો? ત્યાં સુધી તમે લગ્ન કર્યા વિના એકલી રહેશો? ના, મારી દીકરીઓ, એવી વાત તમારા કરતાં મારે માટે વધુ દુ:ખદાયક છે; કારણ, પ્રભુનો હાથ મારી વિરુદ્ધ થયો છે.” 14ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી. ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કરીને પોતાના લોક પાસે પાછા જવા માટે#1:14 ‘પોતાના લોક પાસે પાછા જવા માટે’: એક પ્રાચીન અનુવાદને આધારે; હિબ્રૂ પાઠમાં આ શબ્દો નથી. વિદાય લીધી, પરંતુ રૂથ તો નાઓમીને વળગી રહી.
15ત્યારે નાઓમીએ રૂથને કહ્યું, “જો તારી દેરાણી પોતાનાં સ્વજનો અને પોતાના દેવતાઓ પાસે પાછી ફરી છે. તું પણ તેની સાથે જા.” 16પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે. 17જ્યાં તમે મરણ પામશો ત્યાં જ હું પણ મરણ પામીશ અને ત્યાં જ મારું દફન થશે. જો હું મરણ સિવાય બીજા કશાથી તમારાથી વિખૂટી થાઉં તો પ્રભુ મારી ખુવારી કરી નાખો.” 18જ્યારે નાઓમીએ જોયું કે રૂથે તેની સાથે જવાનો દૃઢ નિર્ધાર કર્યો છે ત્યારે તેણે તેને વધુ સમજાવવાનું પડતું મૂકાયું.
19તેઓ મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ આવી પહોંચ્યાં. તેઓ ગામમાં પ્રવેશ્યાં ત્યારે તેમને જોઈને નગરજનો આશ્ર્વર્યમાં પડી ગયા અને સ્ત્રીઓ કહેવા લાગી, “અરે, નાઓમીની આવી દશા થઈ છે?” 20ત્યારે નાઓમીએ તેમને કહ્યું, “મને નાઓમી (મીઠી) એટલે સુખી કહીને ન બોલાવશો, મને તો ‘મારા’ (કડવી) એટલે દુ:ખી કહો; કારણ, સર્વસમર્થ ઈશ્વરે મારા પ્રત્યે કઠોર વર્તન દાખવ્યું છે. 21હું અહીંથી ભરીભાદરી નીકળી હતી, પણ પ્રભુ મને ખાલી હાથે પાછી લાવ્યા છે. સર્વસમર્થ પ્રભુએ પોતે જ મને દુ:ખી કરી છે અને મારી સાથે આમ વર્ત્યા છે. તો મને શા માટે ‘સુખી’ કહીને બોલાવો છો?”
22આમ, નાઓમી પોતાની પુત્રવધૂ રૂથ સાથે મોઆબ દેશમાંથી પાછી આવી. તેઓ જવની કાપણીની શરૂઆતમાં બેથલેહેમ આવ્યાં.

Currently Selected:

રૂથ 1: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy