YouVersion Logo
Search Icon

માલાખી 3

3
1સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”
2પણ તેના આગમનનો દિવસ કોણ સહન કરી શકશે? તે પ્રગટ થાય ત્યારે કોણ બચી જશે? તે તો ધાતુ ગાળનારે પેટાવેલ અગ્નિ જેવો અને ધોબીના સાબુ જેવો હશે. 3રૂપાને ગાળીને શુદ્ધ કરનારની જેમ તે ન્યાય કરવા આવનાર છે. સુવર્ણકાર જેમ સોનારૂપાને ગાળીને શુદ્ધ કરે છે, તેમ પ્રભુનો સંદેશક યજ્ઞકારોને શુદ્ધ કરશે, એ માટે કે તેઓ પ્રભુ સમક્ષ યોગ્ય પ્રકારનાં અર્પણ લાવે. 4ત્યારે તો, જેમ ભૂતકાળમાં હતું તેમ, યહૂદિયા અને યરુશાલેમના લોકો જે અર્પણો લાવશે તે પ્રભુને પ્રસન્‍ન કરનારાં હશે.
5સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.
દશાંશ આપવા વિષે
6“હું પ્રભુ છું અને હું અવિચળ છું. એને જ લીધે તમે યાકોબના વંશજો સદંતર નષ્ટ થઈ ગયા નથી. 7તમારા પૂર્વજોની જેમ તમે પણ મારા નિયમોથી ભટકી ગયા છો અને તેમનું પાલન કર્યું નથી. મારી તરફ પાછા ફરો, એટલે હું તમારા તરફ ફરીશ. પણ તમે પૂછો છો, ‘તમારી તરફ ફરવા માટે અમારે શું કરવું?’ 8હું તમને પૂછું છું: ઈશ્વરને છેતરવા એ યોગ્ય છે? ના, નથી; તોપણ તમે મને છેતરો છો. તમે પૂછશો, ‘કેવી રીતે?’ દશાંશો અને અર્પણો આપવા સંબંધમાં. 9આખો દેશ મને છેતરે છે તેથી તમારા શિર પર શાપ છે. 10તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ. 11હું જીવજંતુઓને તમારો પાક ખાવા દઈશ નહિ અને તમારા દ્રાક્ષવેલા દ્રાક્ષથી લચી પડશે. 12ત્યારે તો સર્વ પ્રજાઓ તમને ધન્ય કહેશે, કારણ તમારો દેશ વસવાલાયક છે.”
દયા દર્શાવવા ઈશ્વરનું વચન
13પ્રભુ કહે છે, “તમે મારા વિષે ભયાનક વાતો કરી છે. પણ તમે પૂછો છો, ‘અમે તમારે વિષે શું બોલ્યા છીએ?’ 14તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવાભક્તિ કરવાનું નિરર્થક છે. તેમનું કહ્યું કરવામાં અથવા આપણાં કૃત્યો માટે આપણે દિલગીર છીએ, 15એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”
16પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી. 17સર્વસમર્થ પ્રભુ કહે છે, “તેઓ મારા લોકો થશે. જે દિવસે હું કાર્યરત બનીશ તે દિવસે તે મારા પોતાના લોક થશે. પિતાની સેવા કરનાર પુત્ર પર જેમ પિતા મમતાળુ છે તેમ હું તેમના પર મમતા દાખવીશ. 18ફરી એકવાર મારા લોક ન્યાયીઓનો તેમજ દુષ્ટોનો તથા મારી સેવા કરનારાનો તેમજ નહિ કરનારાનો શો અંજામ આવે છે તેનો તફાવત જોઈ શકશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for માલાખી 3