YouVersion Logo
Search Icon

માલાખી 1

1
1પ્રભુએ ઇઝરાયલી લોકોને કહેવા આપેલો આ સંદેશ છે.
ઇઝરાયલ માટે પ્રભુનો પ્રેમ
2પ્રભુ પોતાના લોકોને કહે છે, “મેં સદા તમારા પર પ્રેમ રાખ્યો છે.”
પણ તેઓ જવાબ આપે છે, “તમે કેવી રીતે અમારા પરનો તમારો પ્રેમ દર્શાવ્યો છે?”
પ્રભુ જવાબ આપે છે, “એસાવ અને યાકોબ ભાઈઓ હતા, છતાં મેં યાકોબ તથા તેના વંશજો ઉપર પ્રેમ રાખ્યો છે, 3જ્યારે એસાવ તથા તેના વંશજોનો તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડીપ્રદેશને વેરાન કરી મૂક્યો છે અને તેના દેશને શિયાળવાંનું રહેઠાણ બનાવી દીધો છે.”
4જો એસાવના વંશજો એટલે કે અદોમીઓ આમ કહે કે, “અમારાં નગરોનો નાશ કરવામાં આવ્યો છે, પણ અમે તેમને ફરીથી બાંધીશું,” તો પ્રભુ તેમને જવાબ આપશે, “તેમને બાંધવા દો, હું તેમને ફરીથી તોડી પાડીશ. લોકો તેમને ‘દુષ્ટ દેશ’ ‘પ્રભુ જેના પર સદાય કોપાયમાન છે એવી પ્રજા’ કહીને સંબોધશે.”
5ઇઝરાયલના લોકો પોતાની નજરે એ જોશે અને કહેશે, “ઇઝરાયલ દેશ બહાર પ્રભુ પરાક્રમ દાખવે છે!”
યજ્ઞકારોને પ્રભુનો ઠપકો
6સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’ 7તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો. 8તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્‍ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?”
9હવે હે યજ્ઞકારો, પ્રભુ આપણા પ્રત્યે ભલાઈ દર્શાવે તેવી વિનંતી કરી જુઓ. તે તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર નહિ આપે, અને તેમાં વાંક તમારો છે. 10સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ. 11પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે. 12પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો. 13તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ? 14પોતાના ટોળામાં માનેલું પ્રાણી હોય અને મને તે ચઢાવવાનું વચન આપ્યું હોય ત્યારે મને નક્મા પ્રાણીનું અર્પણ ચઢાવીને છેતરપિંડી કરનાર પર શાપ ઊતરો. કારણ, હું મહાન રાજા છું, અને સર્વ દેશના લોકો મારું ભય રાખે છે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy