YouVersion Logo
Search Icon

યોના 1

1
દરિયામાં તોફાન
1અમિત્તાયના પુત્ર યોનાને પ્રભુનો આવો સંદેશ મળ્યો: 2“ઊઠ, મોટા શહેર નિનવે જા અને તેની વિરુદ્ધ પોકાર, કારણ, તેના લોકોની દુષ્ટતા હું જાણું છું.” 3પણ યોના તો પ્રભુથી દૂર નાસી જવા ઊલટી દિશામાં જવા તૈયાર થયો. તે જોપ્પા ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળી ગયું. પ્રભુથી દૂર નાસી છૂટવા તે ભાડું આપીને તેમાં ખલાસીઓ સાથે બેસી ગયો.
4પણ પ્રભુએ દરિયામાં ભારે વાવાઝોડું મોકલ્યું. તોફાનને લીધે વહાણ ભાંગી પડવાના જોખમમાં આવી પડયું. 5બધા ખલાસીઓ ગભરાઈ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હલકું કરવા#1:5 ‘વહાણને હલકું કરવા’: અથવા ‘જોખમ ઓછું કરવા’ માટે તેમણે તેમાંનો માલસામાન#1:5 ‘માલસામાન: અથવા ‘સાધનસામગ્રી’ દરિયામાં ફેંકી દીધો. તે દરમ્યાન યોના તો વહાણના સૌથી નીચેના ભાગમાં ઘસઘસાટ ઊંઘતો હતો. 6વહાણના કપ્તાને ત્યાં જઈને તેને કહ્યું, “અરે, તું ઊંઘે છે? ઊઠ, તારા ઈશ્વરને પ્રાર્થના કર કે તે આપણા પર દયા કરે અને આપણો નાશ ન થાય.”
7ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને શોધી કાઢીએ કે કોને લીધે આપણા પર આ આફત આવી પડી છે.” તેવું કરતાં યોનાનું નામ નીકળ્યું. 8તેથી તેમણે તેને પૂછયું, “તો હવે અમને જણાવ કે આને માટે કોણ દોષિત છે? તું અહીં શું કરે છે? ક્યાંથી આવે છે? તું ક્યા દેશનો છે? તું કઈ પ્રજાનો છે?” 9યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.” 10વિશેષમાં યોનાએ તેમને કહ્યું કે તે પ્રભુથી દૂર નાસી જતો હતો. ખલાસીઓ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, “તેં આ કેવું ભયાનક ક્મ કર્યું છે.#1:10 ‘તેં આ કેવું.... કર્યું છે’: અથવા ‘આમ નાસી છૂટવાની શી જરૂર હતી?’
11દરિયામાં તોફાન વધતું જતું હોવાથી ખલાસીઓએ યોનાને પૂછયું, “અમારે માટે દરિયો શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” 12તેણે કહ્યું, “મને દરિયામાં ફેંકી દો એટલે તે શાંત થઈ જશે. મને ખબર છે કે મારે લીધે જ તમારા પર આ ભયંકર આફત આવી પડી છે.”
13એમ કરવાને બદલે, ખલાસીઓએ વહાણને કિનારે લઈ જવા માટે ઘણાં હલેસાં માર્યાં, પણ વધારે ને વધારે તોફાન થવાથી તેઓ તેમ કરવામાં ફાવ્યા નહિ. 14તેથી તેમણે પ્રભુને પોકાર કર્યો: “હે પ્રભુ, અમે તમને વિનવીએ છીએ કે આ માણસના મોતને લીધે અમારો નાશ કરતા નહિ, નિર્દોષની હત્યા કરવા સંબંધી તમે અમને દોષિત ગણશો નહિ. કારણ, તમે જ તમારી ઇચ્છા પ્રમાણે આ બધું કર્યું છે.” 15પછી તેમણે યોનાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો એટલે તોફાન તરત જ શમી ગયું. 16ખલાસીઓને પ્રભુનો એટલો ડર લાગ્યો કે તેમણે તેમને બલિદાન આપ્યું અને તેમની સેવા કરવા માનતાઓ લીધી.
17પ્રભુએ એક મોટી માછલીને યોનાને ગળી જવા હુકમ કર્યો. તે માછલીના પેટમાં યોના ત્રણ દિવસ અને ત્રણ રાત રહ્યો.

Currently Selected:

યોના 1: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy