YouVersion Logo
Search Icon

ન્યાયાધીશો 1

1
યહૂદા અને શિમયોનનાં કુળો અદોનીબેઝેકને હરાવે છે.
1હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?”
2પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ જઈને પ્રથમ હુમલો કરે. મેં દેશ તેમને તાબે કરી દીધો છે.”
3યહૂદાના લોકોએ શિમયોનના લોકોને કહ્યું, “અમને ફાળવવામાં આવેલા પ્રદેશમાં તમે અમારી સાથે આવો, અને આપણે સાથે મળીને કનાનીઓ સામે લડીશું. પછી તમને ફાળવેલા પ્રદેશ માટે અમે તમારી સાથે આવીશું. આમ, શિમયોનના લોકો તેમની સાથે ગયા. 4પછી યહૂદાના કુળે હુમલો કર્યો. પ્રભુએ તેમને કનાનીઓ અને પરિઝઝીઓ પર વિજય પમાડયો અને તેમણે બેઝેકમાં દસ હજાર માણસોને હરાવ્યા. 5બેઝેકમાં તેમને અદોની-બેઝેકનો ભેટો થઈ ગયો અને તેઓ તેની સાથે લડયા. 6અદોની-બેઝેક નાસી છૂટયો, પણ તેમણે તેને પકડી પાડયો અને તેના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા. 7અદોનીબેઝેકે કહ્યું, “હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હોય તેવા સિત્તેર રાજાઓ મારા મેજ નીચે પડેલા ખોરાકના ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં તેમને કર્યું હતું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેને યરુશાલેમ લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત્યુ પામ્યો.
યહૂદાનું કુળ યરુશાલેમ અને હેબ્રોન જીતી લે છે.
8યહૂદાના માણસોએ યરુશાલેમ પર હુમલો કરી તેને જીતી લીધું. તેમણે ત્યાંના લોકોમાં ક્તલ ચલાવી અને શહેરને આગ ચાંપી. 9તે પછી તેમણે પહાડીપ્રદેશ, તળેટીનો પ્રદેશ તથા દક્ષિણે આવેલા સૂકાપ્રદેશમાં વસતા કનાનીઓ સામે યુદ્ધ કર્યું. 10તેમણે હેબ્રોનમાં (જે અગાઉ કિર્યાથ આર્બા કહેવાતું હતું) વસતા કનાનીઓ પર ચડાઈ કરી. ત્યાં તેમણે શેશાય, અહિમાન અને તાલ્માયનાં ગોત્રોને હરાવ્યાં.
ઓથ્નીએલ દબીર નગરને જીતી લે છે
(યહો. 15:13-19)
11યહૂદાના માણસોએ ત્યાંથી આગળ વધીને દબીર નગર પર ચડાઈ કરી. અગાઉ તે નગર કિર્યાથ સેફેર કહેવાતું હતું. 12કાલેબે માણસોને કહ્યું, “કિર્યાથ સેફેર પર ચડાઈ કરી તેને જીતી લેનાર સાથે હું મારી પુત્રી આખ્સાનાં લગ્ન કરાવીશ.” 13કાલેબના નાના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે તે નગરને જીતી લીધું, એટલે કાલેબે પોતાની પુત્રી આખ્સાનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. 14લગ્નના દિવસે તેણે તેના પિતા પાસેથી ખેતર માગવા ચડવણી કરી. જ્યારે તે ગધેડા પરથી ઊતરી પડી ત્યારે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?” 15તેણે જવાબ આપ્યો, “મારા પર મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે. તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઉપલાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં.
બિન્યામીન અને યહૂદાનાં કુળોના વિજયો
16કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો#1:16 ‘ત્યાંના લોકો’: કેટલાક પ્રાચીન અનુવાદો મુજબ ‘અમાલેકીઓ’. સાથે વસ્યા. 17યહૂદાના લોકો શિમયોનના લોકો સાથે ગયા અને તેમણે સાથે મળીને સફાથમાં વસતા કનાનીઓને હરાવ્યા. તેમણે નાશ માટે અર્પિત નગર તરીકે તેનો પૂરો નાશ કર્યો અને તેનું નામ હોર્મા ચવિનાશૃ પાડયું. 18યહૂદાના માણસોએ ગાઝા, આશ્કલોન અને એક્રોન તથા તેમની આસપાસના સીમા-પ્રદેશોને જીતી લીધા.#1:18 ‘જીતી લીધા’: એક પ્રાચીન અનુવાદ અનુસાર ‘જીતી શકાયા નહિ.’ 19પ્રભુ યહૂદાના માણસોની સાથે હતા અને તેથી તેમણે પહાડીપ્રદેશનો કબજો મેળવી લીધો. પણ તેઓ ખીણપ્રદેશના મેદાનોમાં વસતા લોકોને હાંકી કાઢી શક્યા નહિ. કારણ, તેમની પાસે લોખંડના રથો હતા. 20મોશેના ફરમાન પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું હતું. કાલેબે તે નગરમાંથી અનાકના વંશમાં ઊતરી આવેલા ત્રણ ગોત્રોને હાંકી કાઢયાં હતાં. 21પણ બિન્યામીનના કુળના લોકોએ યરુશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢયા નહિ, અને ત્યારથી માંડીને યબૂસીઓ ત્યાં બિન્યામીનના લોકો સાથે રહેતા આવ્યા છે.
એફ્રાઈમ અને મનાશ્શાનાં કુળો બેથેલ જીતે છે
22યોસેફના વંશજોએ બેથેલ પર હુમલો કર્યો. તેમને પ્રભુનો સાથ હતો. 23તે વખતે એ નગરનું નામ લૂઝ હતું. તેમણે નગરમાં જાસૂસો મોકલ્યા. 24જાસૂસોએ એક માણસને નગર છોડીને જતો જોયો. તેમણે તેને કહ્યું, “તું અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ, તો અમે તને કંઈ ઈજા પહોંચાડીશું નહિ.” 25તેથી તેણે તેમને માર્ગ બતાવ્યો. યોસેફના વંશજોએ એ માણસ તથા તેના પરિવાર સિવાય નગરના બધા માણસોનો સંહાર કર્યો. 26પેલો માણસ તે પછી હિત્તીઓના પ્રદેશમાં ગયો અને ત્યાં એક નગર બાંધ્યું. તેણે તેનું નામ લૂઝ પાડયું. જે નામ આજ સુધી ચાલે છે.
ઇઝરાયલીઓએ દેશમાંથી નહિ હાંકી કાઢેલા લોકો
27મનાશ્શાના કુળે બેથ-શેઆન, તાઅનાખ, દોર, ઈબ્બીમ, મગિદ્દો અને એ નગરોની આસપાસનાં તેમનાં ગામોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કનાનીઓએ ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું. 28ઇઝરાયલીઓ પ્રબળ બન્યા ત્યારે તેમણે કનાનીઓ પાસે વેઠ કરાવી, પણ તેમને છેક હાંકી કાઢયા નહિ.
29એફ્રાઈમના કુળે ગેઝેર નગરમાં રહેતા કનાનીઓને ત્યાંથી કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા.
30ઝબુલૂનના કુળે કિત્રોન અને નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ અને તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા અને વેઠ કરનારા થયા.
31આશેરના કુળે આક્કો, સિદોન, આહલાબ, આખ્ઝીબ, હેલ્બા, એફેક અને રહોબ નગરના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. 32આશેરના લોકો સ્થાનિક કનાનીઓ સાથે રહ્યા, કારણ, તેમણે તેમને કાઢી મૂક્યા નહિ.
33નાફતાલીના કુળે બેથ-શેમેશ અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. નાફતાલીના લોકો સ્થાનિક કનાનીઓ સાથે રહ્યા, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી.
34અમોરીઓએ દાનના કુળના લોકોને પહાડીપ્રદેશમાં જ રોકી રાખ્યા અને તેમને મેદાનપ્રદેશમાં આવવા દીધા નહિ. 35અમોરીઓએ આયાલોન, શાઆલ્બીમ અને હેરેસ પર્વતમાં પોતાનો વસવાટ ચાલુ રાખ્યો. પણ યોસેફના વંશજોએ તેમને પોતાના નિયંત્રણમાં રાખ્યા અને તેમની પાસે વેઠ કરાવી.
36સેલાની ઉત્તરે અમોરીઓની#1:36 ‘અમોરીઓની’: એક પ્રાચીન અનુવાદ અનુસાર ‘અદોમીઓની’; હિબ્રૂ મૂળાકાષર પ્રમાણે અમોરી અને અદોમ એ શબ્દો વચ્ચે સામ્ય છે. સરહદ અક્રાબીમના ઘાટમાં થઈને પસાર થતી હતી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy