YouVersion Logo
Search Icon

હઝકિયેલ 1

1
1ત્રીસમા વર્ષના#1:1 આ કયા વર્ષનો નિર્દેશ છે તે સ્પષ્ટ નથી. ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું.#સંદ. 19:11. 2એ તો યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં મહિનાની પાંચમી તારીખ હતી.#૨ રાજા. 24:10-16; ૨ કાળ. 36:9-10.
3બેબિલોન દેશમાં કબાર નદીને કાંઠે બૂઝીના પુત્ર યજ્ઞકાર હઝકિયેલને પ્રભુનો સંદેશ મળ્યો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે તેનો કબજો લીધો. 4મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું. 5અને મેં જોયું તો અગ્નિની મધ્યમાં માનવ આકારનાં ચાર પ્રાણી દેખાયાં.#સંદ. 4:6. 6પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી. 7તેમના પગ સીધા હતા અને તેમના પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને તે ઓપેલા તાંબાની જેમ ચળક્તાં હતાં. 8તેમની પાંખો નીચે ચાર મુખ અને ચાર પાંખોના અનુસંધાને ચારે બાજુએ માણસના હાથ જેવા ચાર હાથ હતા. 9દરેક પ્રાણીની બબ્બે પાંખો પોતાની બાજુ પરના પ્રાણીની પાંખને અડતી હતી. ચાલતી વખતે તેઓ આડાંઅવળાં વળતાં નહિ. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું. 10પ્રત્યેક પ્રાણીને ચાર જુદાં જુદાં મુખ હતાં. ચારેયને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુએ સિંહનું મુખ, ડાબી બાજુએ આખલાનું મુખ અને પાછળની બાજુએ ગરુડનું મુખ હતું.#હઝ. 10:14; સંદ. 4:7. 11દરેક પ્રાણીની બે પાંખો#1:11 પ્રાચીન અનુવાદ પ્રમાણે, ‘બે પાંખો’; હિબૂ્ર પાઠ પ્રમાણે, ‘તેમનાં મુખ, તેમની પાંખો.’ ઉપરની બાજુએ ફેલાયેલી હતી અને તે પોતાની નજીકના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી જ્યારે બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી. 12દરેક પ્રાણીને ચારે દિશામાં મુખ હતાં. એટલે વળ્યા વિના આત્મા જ્યાં જવા ઇચ્છે તે તરફ તેઓ સીધેસીધાં જઈ શક્તાં હતાં. 13એ જીવંત પ્રાણીઓની વચ્ચે ધગધગતા અંગારા કે ભભૂક્તી મશાલ જેવું કશુંક દેખાતું હતું. અગ્નિ ઝબૂક્તો હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14એ પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતાં ને પાછાં આવતાં હતાં. 15હું એ પ્રાણીઓને જોતો હતો તેવામાં ચારે પ્રાણીઓ પાસે તેમનાં ચાર મુખમાંનાં દરેક મુખ દીઠ એકેક પૈડું ભૂમિને સ્પર્શતું જોયું. 16એ પૈડાંનો દેખાવ અને રચના આવાં હતાં: તેઓ પોખરાજ રત્નની જેમ ચમક્તાં હતાં: એ ચારે પૈડાં એક જ ઘાટનાં હતાં, અને એક પૈડાની વચ્ચે બીજું પૈડું ક્ટખૂણે ગોઠવ્યું હોય એવું લાગતું હતું. 17આથી તેઓ પાછા ફર્યા વિના કોઈપણ દિશામાં જઈ શક્તાં હતાં. 18પૈડાંની વાટો ઊંચી અને ભયજનક હતી અને વાટોને સર્વત્ર આંખો હતી.#સંદ. 4:8. 19પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચઢતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ચઢતાં. 20જ્યાં આત્મા જવાનો હોય ત્યાં તે જતાં, અને પ્રાણીઓની સાથે પૈડાં પણ જતાં. કારણ, એ પ્રાણીઓનો આત્મા પૈડામાં પણ હતો. 21જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, જ્યારે પ્રાણીઓ થોભતાં ત્યારે પૈડાં પણ થોભતાં, જ્યારે પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચડતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચડતાં; કારણ, એ પૈડાંમાં પણ પ્રાણીઓનો આત્મા હતો.#હઝ. 10:9-13. 22પ્રાણીઓનાં માથાં ઉપર ઊંચે જાણે સ્ફટિકનાં તેજ જેવો ચમક્તો ઘૂમટ પ્રસારેલો હતો.#સંદ. 4:6. 23પ્રાણીઓ એ ધૂમટ નીચે ઊભાં હતાં. પ્રત્યેક પ્રાણીએ પોતાની બે પાંખો પોતાની પાસેના પ્રાણીની પાંખને સ્પર્શે તેમ સીધી પ્રસારેલી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી. 24તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.#સંદ. 1:15; 19:6. 25તેઓ અટકીને ઊભાં રહેતાં અને પાંખો સંકેલી લેતાં ત્યારે પણ તેમના માથા ઉપરના ઘૂમટમાંથી એક અવાજ આવ્યા કરતો. 26એ ધૂમટની ઉપર નીલમમાંથી બનાવેલા રાજ્યાસન જેવું કંઈક હતું અને તેના ઉપર મનુષ્ય જેવા દેખાવની આકૃતિ બેઠી હતી.#હઝ. 10:1; સંદ. 4:2-3.
27મેં જોયું તો તેને કમર જેવું દેખાતું હતું. કમરની ઉપરનો ભાગ અગ્નિમાં ધગધગતા તાંબા જેવો દેખાતો હતો અને કમરની નીચેનો આખો ભાગ અગ્નિના જેવો ઝળહળતો હતો. તેની ચારે તરફ ઉજ્જવળ ઝળહળાટ પ્રસરેલો હતો.#હઝ. 8:2. 28એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy