YouVersion Logo
Search Icon

એસ્તેર 1

1
રાજાની મિજબાની
1-2અહાશ્વેરોશ રાજા હિંદથી કૂશ સુધી એક્સો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેની રાજધાની સૂસામાં હતી.
3તેના અમલના ત્રીજે વર્ષે તેણે તેના રાજદરબારીઓ અને સેવકોને ભવ્ય મિજબાની આપી. ઇરાન તથા માદાયના સર્વ લશ્કરી અમલદારો, પ્રાંતોના રાજ્યપાલો અને અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા. 4તે સમયે રાજાએ તેમને છ માસ સુધી પોતાના પ્રખ્યાત સામ્રાજ્યની વિપુલ સંપત્તિ અને ભારે જાહોજલાલી બતાવ્યાં.
5તે પછી રાજાએ સૂસા નગરના ગરીબ-તવંગર સૌને મિજબાની આપી. રાજમહેલના બગીચાના ચોકમાં એની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી એ કાર્યક્રમ ચાલ્યો. 6તે સ્થળે વાદળી અને સફેદ સૂતરના બારીક પડદા જાંબલી રેસાવસ્ત્રની દોરીઓ વડે આરસપહાણના સ્તંભો પર રૂપાની કડીઓ ઘાલી લટકાવવામાં આવ્યા હતા. ત્યાં શ્વેત આરસપહાણ તથા લાલ તેમજ લીલાશ પડતા વાદળી કિંમતી પથ્થરોની ફરસબંધી પર સોનારૂપાના દિવાનો મૂકેલા હતા. 7સોનાના પ્યાલાઓમાં પીણાં પીરસવામાં આવતાં હતાં અને પ્યાલાઓ વિવિધ પ્રકારના હતા. રાજાએ પોતાને છાજે એ રીતે છૂટથી દારૂ પીરસાવ્યો હતો. 8દારૂ પીવા વિષે કોઈ મર્યાદા નહોતી; કારણ, રાજાએ મહેલના નોકરોને હુકમ કર્યો હતો કે જેને જેટલો પીવો હોય તેટલો પીવડાવવો.#1:8 ‘દારૂ પીવડાવવો’: અથવા ‘દારૂ પીવા વિષે કોઈ બળજબરી નહોતી. કારણ, રાજાએ મહેલના નોકરોને હુકમ કર્યો હતો કે જેને વધારે કે ઓછો પીવો હોય તે તે પ્રમાણે પીવે.’
9આ જ સમયે વાશ્તી રાણીએ પણ રાજમહેલની અંદર સ્ત્રીઓને મિજબાની આપી.
વાશ્તી રાણીનો ઇનકાર
10મિજબાનીનો સાતમો દિવસ હતો. રાજા પીને મસ્ત બન્યો હતો ત્યારે તેણે રાણીગૃહના સાત અંગરક્ષકોને બોલાવ્યા. તેમનાં નામ આ પ્રમાણે હતા: મહુમાન, બીઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને ર્ક્ક્સ. 11રાજાએ તેમને વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને પોતાની સમક્ષ લાવવાનો હુકમ કર્યો. રાણી સ્વરૂપવાન હતી અને રાજા તેનું રૂપ બધા અધિકારીઓ તથા અતિથિઓને બતાવવા માગતો હતો. 12જ્યારે રાણીગૃહના અધિકારીઓએ વાશ્તી રાણીને રાજાના હુકમની વાત કરી ત્યારે તેણે ત્યાં જવાનો ઈનકાર કર્યો. આથી રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો.
વાશ્તી રાણી પદભ્રષ્ટ થઈ
13કાયદો અને વ્યવસ્થાની બાબતમાં મુત્સદ્દીઓની સલાહ લેવાની રાજાની પ્રણાલી હતી. આથી આ વિશે શું કરવું તે જાણવા માટે રાજાએ પોતાના સલાહકારોને બોલાવ્યા. 14ઇરાન અને માદાયના એવા સાત અધિકારીઓ ત્યાં હતા. તેમનાં નામ આ પ્રમાણે હતા: ર્કાશના, શેથાર, આદમાથા, તાર્શિશ, મેરેસ, માર્સના તથા મમૂખાન. તેઓ રાજ્યમાં ઉચ્ચ પદવી ધરાવતા હતા અને રાજા તેમની સલાહ લેતો. 15તેમને રાજાએ પૂછયું, “મેં રાણીગૃહના મારા અધિકારીઓ દ્વારા વાશ્તી રાણીને મારી પાસે લાવવાનો હુકમ કર્યો પણ તેણે આવવાનો ઇનકાર કર્યો છે. આ વિષે કાયદા પ્રમાણે રાણીને શી સજા કરવી જોઈએ?”
16મમૂખાને રાજા અને તેમના રાજદરબારીઓને જાહેર કર્યું કે, “વાશ્તી રાણીએ ફક્ત રાજાનું જ નહિ, પણ તેમના અધિકારીઓનું અને સામ્રાજ્યના પ્રત્યેક પુરુષનું અપમાન કર્યું છે. 17રાણીએ જે કર્યું છે તેની જાણ સામ્રાજ્યમાં સ્ત્રીઓને થતાં જ તેઓ તેમના પતિ પ્રત્યે તોછડાઈપૂર્વક વર્તશે. તેઓ કહેશે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની હજૂરમાં આવવાનો હુકમ કર્યો ત્યારે રાણીએ પણ ત્યાં જવાનો ઇનકાર કર્યો છે’, 18ઇરાન તથા માદાયના અધિકારીઓની પત્નીઓ જેમણે રાણીના આ વર્તન વિષે જાણ્યું છે તેઓ તેમના પતિને આજે જ વાત કરવાની અને પરિણામે પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ અને કલેશનો પાર રહેશે નહિ. 19તેથી હે રાજા, આપને યોગ્ય લાગે તો એક રાજવી વટહુકમ બહાર પાડો કે વાશ્તી રાણી રાજાની સમક્ષ કદી હાજર થાય નહિ. તેની નોંધ ઇરાન અને માદાયના કાયદાઓમાં કરો જેથી તે કદી બદલી શકાય નહિ. વળી, તેનું રાણીપદ બીજી કોઈ યોગ્ય સ્ત્રીને આપો. 20તમારા વટહુકમની જાણ સમગ્ર સામ્રાજ્યમાં થશે કે ગરીબ કે તવંગર દરેક સ્ત્રી પોતાના પતિને માન આપશે.”
21રાજા અને તેમના અધિકારીઓને આ અભિપ્રાય ગમી ગયો અને રાજાએ મમૂખાનના સૂચવ્યા પ્રમાણે કર્યું. 22તેમણે તેમના બધા પ્રાંતો પર દરેક પ્રાંતની ભાષા મુજબ વટહુકમ મોકલી આપ્યો: “પ્રત્યેક પતિ પોતાના ઘરમાં સર્વોપરી છે અને તે કહે તેમ જ થવું જોઈએ.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy