YouVersion Logo
Search Icon

એફેસીઓને પત્ર 1

1
1ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થયેલ પાઉલ તરફથી એફેસસમાં રહેતા અને ખ્રિસ્તને વિશ્વાસુ છે એવા ઈશ્વરના લોકને શુભેચ્છા! 2આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો.
આત્મિક આશિષો
3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે. 4આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પહેલાં તેમણે આપણને પસંદ કર્યા હતા; જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ. 5ઈશ્વરના પ્રેમને લીધે આપણે ઈસુ ખ્રિસ્તની મારફતે તેમના પુત્રો બનીએ તેવું ઈશ્વરે નક્કી કરેલું હતું; એમાં જ તેમનો આનંદ અને એ જ તેમનો હેતુ હતો. 6તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.
7ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે; 8એટલે કે, આપણાં પાપ માફ કરવામાં આવ્યાં છે. એ રીતે ઈશ્વરે આપણા પર પોતાની કૃપાની સમૃદ્ધિ વરસાવી છે. ઈશ્વરે પોતાનાં સર્વ જ્ઞાન અને આંતરસૂઝ પ્રમાણે 9કરેલો નિર્ણય અને પોતાની માર્મિક યોજના જે તેમણે ખ્રિસ્ત દ્વારા પૂરી કરવાનું નક્કી કરી રાખ્યું હતું, તે આપણને જાહેર કર્યાં છે. 10ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે; એ હેતુ તે યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે.
11ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ખ્રિસ્તમાં મેળવીને તેમના પોતાના લોક બનાવવાનો હતો. 12આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!
13તમારા સંબંધમાં પણ એવું જ છે. તમે સાચો સંદેશ, એટલે કે, તમને ઉદ્ધાર પમાડનાર શુભસંદેશ સાંભળ્યો, ત્યારે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો, અને ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તેમણે તમારા પર પોતાની માલિકીના હકની મહોર મારી. 14પવિત્ર આત્મા તો ઈશ્વરે પોતાના વચન પ્રમાણે પોતાના લોકને આપવા ધારેલ વારસાનું બાનું છે અને જેઓ ઈશ્વરના છે તેમને ઈશ્વર સંપૂર્ણ મુક્ત કરશે એની ખાતરી છે. ઈશ્વરના મહિમાની સ્તુતિ કરો!
પાઉલની પ્રાર્થના
15એને લીધે, મેં પ્રભુ ઈસુમાંના તમારા વિશ્વાસ અને ઈશ્વરના સર્વ લોક માટેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું 16ત્યારથી હું હંમેશા ઈશ્વરનો આભાર માનું છું. હું મારી પ્રાર્થનાઓમાં તમને યાદ રાખું છું, 17અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત ઈશ્વરપિતા તમને પવિત્ર આત્મા આપે તેવી વિનંતી કરું છું. પવિત્ર આત્મા તમને જ્ઞાની બનાવશે અને ઈશ્વરને તમારી સમક્ષ પ્રગટ કરશે; એ માટે કે તમે તેમને ઓળખી શકો.
18મારી પ્રાર્થના છે કે તમે તેમનો પ્રકાશ નિહાળી શકો તે માટે તમારાં મન ખુલ્લાં થાય; જેથી જે આશાને માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોતાના લોકોને તે કેવો સમૃદ્ધ મહિમાવંત વારસો આપે છે, 19અને આપણે જેઓ વિશ્વાસ કરીએ છીએ તેમનામાં કાર્ય કરી રહેલ ઈશ્વરનું પરાક્રમ કેટલું મહાન છે તે તમે જાણી શકો. 20જે સામર્થ્યથી ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કર્યા અને સ્વર્ગીય ક્ષેત્રમાં પોતાની જમણી તરફ બિરાજમાન કર્યા છે, તે જ સામર્થ્ય આપણામાં પણ કાર્ય કરે છે. 21ત્યાં ખ્રિસ્ત સર્વ સ્વર્ગીય અધિકાર, સત્તા અને અધિપતિઓ પર રાજ કરે છે. વળી, આ દુનિયામાં અને આવનાર દુનિયાની તમામ સત્તાઓ કરતાં ય તે ઉચ્ચ સ્થાન ધરાવે છે. 22ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે. 23મંડળી તો ખ્રિસ્તનું શરીર છે અને સકળ સર્જનને પરિપૂર્ણ કરનાર ખ્રિસ્તની પરિપૂર્ણતાનો સંચય છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy