YouVersion Logo
Search Icon

દાનિયેલ 1

1
નબૂખાદનેસ્સારના રાજમહેલમાં યહૂદી યુવાનો
1યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ત્રીજા વર્ષમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો. 2પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.
3રાજાએ પોતાના મુખ્ય અધિકારી આશ્પનાઝને ઇઝરાયલી કેદીઓમાંથી રાજવંશી અને અમીરવર્ગના કેટલાક યુવાનો પસંદ કરવા હુકમ કર્યો. 4તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી. 5રાજાએ એવો હુકમ પણ કર્યો કે તેમને દરરોજનું ભોજન રાજવી ખોરાક અને દ્રાક્ષાસવમાંથી જ આપવામાં આવે. ત્રણ વર્ષની તાલીમ પછી તેમને રાજાની સમક્ષ રજૂ કરવાના હતા. 6પસંદ કરાયેલ યુવાનોમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા હતા અને એ બધા યહૂદા કુળના હતા. 7મુખ્ય અધિકારીએ દાનિયેલનું બેલ્ટશાસ્સાર, હનાન્યાનું શાદ્રાખ, મિશાએલનું મેશાખ અને અઝાર્યાનું અબેદ-નગો એવાં નામ પાડયાં.
8પણ દાનિયેલે પોતાના મનમાં નિશ્ર્વય કર્યો કે રાજાનું ભોજન કે તેનો દ્રાક્ષાસવ લઈને હું મારી જાતને ભ્રષ્ટ કરીશ નહિ. તેથી તેણે આશ્પનાઝની મદદ માગી. 9ઈશ્વરની કૃપાથી આશ્પનાઝના દિલમાં દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ. 10પણ આશ્પનાઝને રાજાની બીક લાગતી હતી, તેથી તેણે દાનિયેલને કહ્યું, “તમારે શું ખાવું અને શું પીવું તે રાજાએ નક્કી કરી આપ્યું છે અને જો તે જોશે કે તમે બીજા યુવાનો જેવા સશક્ત નથી તો તે મારો શિરચ્છેદ કરી નાખશે.”
11તેથી દાનિયેલ તથા તેના ત્રણ મિત્રો પર આશ્પનાઝે નીમેલા સંરક્ષક પાસે જઈને દાનિયેલે કહ્યું, 12“તમે દસ દિવસ અમારી ક્સોટી કરી જુઓ. અમને ખાવાને શાક્હારી ખોરાક અને પીવાને પાણી જ આપો. 13તે પછી રાજવી ખોરાક જમનારા બીજા યુવાનો સાથે અમારી તુલના કરો, અને અમે કેવા દેખાઈએ છીએ તે પરથી તમે નિર્ણય કરો.”
14સંરક્ષકે તેમની વિનંતી સાંભળીને તેમની દસ દિવસ ક્સોટી કરી. 15દસ દિવસ પૂરા થતાં રાજવી ખોરાક જમનારા સર્વ કરતાં તેઓ વધુ તંદુરસ્ત અને સશક્ત દેખાયા. 16આથી સંરક્ષકે તેમને તે સમયથી રાજવી ખાનપાનને બદલે શાકભાજી આપવાનું ચાલુ રાખ્યું.
17ઈશ્વરે આ ચારે યુવાનોને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં જ્ઞાન અને કૌશલ્ય આપ્યાં; વળી, દાનિયેલને સર્વ સંદર્શનો અને સ્વપ્નોનું અર્થઘટન કરવાનું દાન આપ્યું. 18રાજાએ નિયત કરેલી મુદત એટલે ત્રણ વર્ષને અંતે આશ્પનાઝે બધા યુવાનોને નબૂખાદનેસ્સાર સમક્ષ રજૂ કર્યા. 19રાજાએ એ બધા સાથે વાત કરી તો દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા સૌના કરતાં શ્રેષ્ઠ માલૂમ પડયા. તેથી તેમને રાજાના દરબારના સભ્ય બનાવવામાં આવ્યા. 20રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા. 21દાનિયેલ તો ઇરાનના રાજા કોરેશે બેબિલોન જીતી લીધું ત્યાં સુધી રાજદરબારમાં કાયમ રહ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy