YouVersion Logo
Search Icon

થેસ્સાલોનિકિઓને બીજો પત્ર 2

2
દુષ્ટ વ્યક્તિ
1હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન અને તેમની પાસે આપણા એકત્ર થવા સંબંધી અમે તમને જણાવીએ છીએ કે, 2પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવી પહોંચ્યો હોય તેમ આત્મા દ્વારા કહેલી કોઈ કહેવાતી ભવિષ્યવાણી, સંદેશ અથવા અમારા તરફથી પત્ર આવ્યો હોવાનો દાવો કરીને કોઈ તમને ગૂંચવણમાં કે તણાવમાં નાખી ન દે. 3કોઈ તમને છેતરી ન જાય માટે સાવધ રહો. કારણ, પ્રભુનું આગમન થાય તે પહેલાં પ્રથમ ઈશ્વર વિરુદ્ધ બળવો થશે અને વિનાશને માટે નિર્માણ થયેલ વ્યક્તિ એટલે દુષ્ટ પુરુષ પ્રગટ થશે. 4માણસો જેનું ભજન કરે છે અને જેને દેવ માને છે તે સર્વનો તે દુષ્ટ વ્યક્તિ નકાર કરશે. એ બધા કરતાં પોતાને મોટો મનાવશે, અને ઈશ્વરના મંદિરમાં પણ જઈને તેમને સ્થાને બેસીને ઈશ્વર હોવાનો દાવો કરશે.
5હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને જણાવ્યું હતું એ શું તમને યાદ નથી? 6તેને પ્રગટ થતાં શું અટકાવે છે તે તમે જાણો છો. નિયત સમયે એ દુષ્ટ પ્રગટ થશે. 7પણ દુષ્ટતાનાં રહસ્યમય પરિબળો ક્યારનાંયે કાર્યરત થઈ ચૂક્યાં છે. પણ જે બનવાનું છે તેને રોકી રાખનારને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી તે બનવાનું નથી. 8પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે. 9એ દુષ્ટ વ્યક્તિ શેતાનની શક્તિ સહિત આવશે અને સર્વ પ્રકારના ચમત્કારો, જુઠ્ઠી નિશાનીઓ અને અદ્‍ભુત કાર્યો કરી બતાવશે. 10જેઓ નાશ પામવાના છે તેમની તે સર્વ પ્રકારે ભૂંડી છેતરપિંડી કરશે. બચાવને અર્થે જે પ્રેમ અને સત્યનો આવકાર કરવાનો છે, તે નહિ કરવાથી તેઓ નાશ પામશે. 11આ કારણને લીધે જ ઈશ્વર તેમને ગૂંચવણમાં પડવા દે છે, જેથી તેઓ જુઠ્ઠી વાત માની લે. 12પરિણામે, જેમણે સત્ય પર વિશ્વાસ કર્યો નથી અને પાપમાં મોજમઝા માણી છે તેઓ સર્વને શિક્ષા થાય.
ઉદ્ધારને માટે પસંદગી
13ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો અને તમારે માટે અમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પવિત્ર આત્માની શક્તિથી અને સત્ય પરના તમારા વિશ્વાસથી તમારો ઉદ્ધાર થાય તે માટે ઈશ્વરે તમને પ્રથમથી જ પસંદ કર્યા છે; જેથી તમે ઈશ્વરના પવિત્ર લોક બનો. 14અમે તમને જણાવેલા શુભસંદેશની મારફતે તમે આપણા પ્રભુ ઈસુના ભાગીદાર બનો તે માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. 15આથી ભાઈઓ મક્કમ રહેજો અને જે સત્યનું શિક્ષણ અમે તમને પત્રથી અને સંદેશાથી આપ્યું છે તેને વળગી રહેજો.
16હવે આપણા પ્રભુ ઈસુ પોતે તથા આપણા પર પ્રેમ કરનાર અને આપણને સાર્વકાલિક દિલાસો આપનાર અને કૃપા દ્વારા સારી આશા આપનાર 17ઈશ્વર આપણા પિતા તમારાં હૃદયોને શાંતિ આપો અને સર્વ સારાં કાર્યો કરવામાં તથા સારું બોલવામાં તમને દૃઢ કરો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy