YouVersion Logo
Search Icon

કોરીંથીઓને બીજો પત્ર 1

1
1ઈશ્વરની ઇચ્છાથી પ્રેષિત તરીકે નિમાયેલો હું પાઉલ, તથા આપણા ભાઈ તિમોથી તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને તથા ગ્રીસમાંના ઈશ્વરના સર્વ લોકોને શુભેચ્છા. 2આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
પાઉલ ઈશ્વરનો આભાર માને છે
3ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, જે દયાળુ પિતા છે અને જેમની પાસેથી સર્વપ્રકારે દિલાસો મળે છે, તેમનો આપણે આભાર માનીએ. 4ઈશ્વર અમને અમારાં સર્વ દુ:ખોમાં દિલાસો આપે છે, જેથી તેમણે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેમને અમે દિલાસો આપી શકીએ. 5કારણ, જેમ અમે ખ્રિસ્તનાં ઘણાં દુ:ખોના ભાગીદાર છીએ, તે જ પ્રમાણે ખ્રિસ્તની મારફતે અમે તેમના મહાન દિલાસાના પણ ભાગીદાર છીએ. 6જો અમે દુ:ખ સહન કરતા હોઈએ, તો તે તમારા દિલાસા અને ઉદ્ધારને માટે છે. જો અમને દિલાસો મળે છે, તો તેથી તમને પણ દિલાસો મળે છે; જેથી જે દુ:ખો અમે સહન કરીએ છીએ, તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમને પણ મળે. 7અને તમારા માટેની અમારી આશા દૃઢ છે. અમે જાણીએ છીએ કે જેમ તમે અમારાં દુ:ખોના ભાગીદાર છો, તેમ જ અમને જે દિલાસો મળે છે, તેના પણ તમે ભાગીદાર થશો.
8ભાઈઓ, અમને આસિયા પ્રદેશમાં પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માગીએ છીએ. અમારા પર એવો મોટો અને અસહ્ય બોજ આવી પડયો હતો કે અમે જીવવાની પણ આશા છોડી દીધી હતી. 9અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું. એ તો અમે પોતા પર નહિ, પણ મરેલાંઓને સજીવન કરનાર ઈશ્વર પર જ આધાર રાખીએ તે માટે બન્યું. 10મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે. 11ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે અમને અપાયેલી આશિષોને કારણે ઘણા લોક ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ.
મુલતવી રહેલી પાઉલની મુલાકાત
12અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે. 13તમે વાંચીને સમજી શકો તેટલી જ બાબતો અમે તમને લખીએ છીએ, અને મારી આશા છે કે, 14હાલ તમે જે થોડુંઘણું સમજો છો તે તમે સંપૂર્ણ રીતે સમજશો; જેથી પ્રભુ ઈસુને દિવસે અમે જેમ તમારે માટે ગર્વ કરી શકીશું, તેમ તમે પણ અમારે માટે ગર્વ કરી શકશો.
15આ સર્વ બાબતોની ખાતરી હોવાથી મેં પ્રથમ તમારી મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું; જેથી તમને બે વાર આશિષ મળે. 16કારણ, મકદોનિયા જતી વખતે અને ત્યાંથી પાછા વળતી વખતે પણ તમારી મુલાકાત લેવી એવું મેં વિચાર્યું હતું કે જેથી યહૂદિયા તરફની મારી મુસાફરી માટે મને સહાય મળી રહે. 17આ મુલાકાતના આયોજનમાં શું હું ઢચુપચુ છું? જ્યારે હું આયોજન કરું છું ત્યારે તેમાં શું હું સ્વાર્થ શોધું છું? એક જ સમયે “હા, આવીશ” તેમ જણાવીને તરત જ “ના, નહિ આવું” એવું કહું છું? 18હું સાચા ઈશ્વરને નામે કહું છું કે, મેં તમને આપેલું વચન તે “હા” અને “ના” એમ બન્‍નેમાં નહોતું. 19કારણ, સિલાસ, તિમોથી અને મારા દ્વારા તમારી આગળ પ્રગટ કરાયેલા ઈશ્વરપુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત, એક્સાથે “હા” અને “ના” બન્‍ને નથી. એથી ઊલટું, તેમનામાં તો બધું “હા” જ છે. 20કારણ, ઈશ્વરે આપેલાં સર્વ વચનોને માટે તે “હા” છે. તેથી જ આપણે ઈશ્વરના મહિમાર્થે ઈસુ ખ્રિસ્તની મારફતે “આમીન” કહીએ છીએ. 21એ ઈશ્વરે જ ખ્રિસ્ત પ્રત્યેની નિષ્ઠામાં તમને અને અમને દૃઢ કર્યા છે, અને આપણો અભિષેક કર્યો છે. 22એ રીતે તેમણે આપણા પર તેમની માલિકીની મુદ્રા મારી છે; એટલે, આપણને જે કંઈ મળનાર છે એની ખાતરીરૂપે તેમણે આપણાં હૃદયોમાં વાસો કરવા પવિત્ર આત્મા આપ્યો છે.
23મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો. 24તમારા વિશ્વાસ પર અમે પ્રભુત્વ જમાવવા માગતા નથી, પણ તમે વિશ્વાસ દ્વારા જ દૃઢ થઈ શકો તેમ હોઈ, અમે તો તમારા આનંદ માટે તમારી સાથે કાર્ય કરીએ છીએ. કારણ, તમે વિશ્વાસમાં દૃઢ રહો છો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy