YouVersion Logo
Search Icon

ઝખાર્યા 7

7
યહોવાની દયા અને કરૂણા
1રાજા દાર્યાવેશના અમલના ચોથા વર્ષના એટલે કે કિસ્લેવ મહિનાની ચોથી તારીખે ઝખાર્યાને યહોવાની વાણી સંભળાઇ. 2હવે બેથેલ નગરના યહૂદી લોકોએ રાજાના મુખ્ય વહીવટી અધિકારી શારએસેર અને રેગમ-મેલેખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ યરૂશાલેમમાં મોકલ્યું કે તેઓ યહોવાની કૃપા માટે વિનંતી કરે. 3અને તેમના મંદિરના યાજકોને અને પ્રબોધકોને એવું પુછવા માટે મોકલ્યા હતા કે, “અમે ઘણા વર્ષથી કરતા આવ્યા છીએ તે પ્રમાણે પાંચમાં મહિને મંદિરના થયેલા વિનાશ માટે શોક પાળવો અને ઉપવાસ કરવો?”
4ત્યારે સૈન્યોનો દેવ યહોવાનું વચન મારી પાસે આવ્યું; 5“જ્યારે તમે બેથેલ પાછા ફરશો ત્યારે તમારા સર્વ લોકોને અને તમારા યાજકોને કહો, બંદીવાસનાં સિત્તેર વર્ષ દરમ્યાન તમે ઓગષ્ટ અને ઓકટોબર મહિનામાં ઉપવાસ કરતા હતા. અને શોક પાળતા હતા ત્યારે શું તમે તમારા પાપોનો ત્યાગ કરીને મારી તરફ પાછા ફરવામાં પ્રામાણિક હતા? ના, તમે તેમ કર્યું નહોતું. 6અને જ્યારે તમે ખાઓ છો અને પીઓ છો ત્યારે તમે તમારે પોતાને માટે જ ખાતાપીતા નથી? 7જ્યારે યરૂશાલેમ અને તેની આસપાસના નગરો વસેલાં અને શાંતિમાં હતા અને દક્ષિણમાં નીચાણના પ્રદેશ વસ્તીવાળા હતા. ત્યારે પહેલાના પ્રબોધકો મારફતે યહોવાએ આ જ ઘોષણા નહોતી કરી?”
8યહોવાની વાણી ઝખાર્યાને આ મુજબ સંભળાઇ:
9“સૈન્યોનો દેવ યહોવા કહે છે:
‘સાચો ન્યાય આપો,
એકબીજા પ્રત્યે દયા
અને કરૂણા દર્શાવો.
10તેઓને જણાવો કે વિધવાઓ, અનાથો, વિદેશીઓ
અને ગરીબ લોકો પર જુલમ કરવાનું બંધ કરે.
અને તમારામાંનો કોઇ મનમાં પણ પોતાના ભાઇનું ખોટૂ ન વિચારે.’”
11તમારા પિતૃઓએ તેમને સાંભળવાનો ઇન્કાર કર્યો,
તેઓ હઠીલા થઇને દૂર ગયા
અને મારું વચન ન સાંભળવા માટે
તેઓએ તેઓની આંગળીઓ પોતાના કાનમાં ખોસી.
12સૈન્યોનો દેવે પવિત્ર આત્મા દ્વારા અગાઉના
પ્રબોધકોને પ્રેરણા કરી કે તેઓ દેવનાં વચનો
અને નિયમશાસ્ત્ર લોકોની આગળ પ્રગટ કરે,
પણ તે લોકોએ પોતાના હૃદય વજ્ર જેવા કઠોર બનાવી દીધાં,
જેથી પહેલાના પ્રબોધકો મારફતે નિયમો અને સંદેશા સાંભળવા ન પડે.
તેથી એમના પર સૈન્યોનો દેવ યહોવાનો ભયંકર કોપ ઉતર્યો.
13સૈન્યોનો દેવ યહોવા કહે છે;
“મેં તેઓને જ્યારે બોલાવ્યા,
ત્યારે તેમણે નહોતું સાંભળ્યું;
તેમ તેઓએ જ્યારે મને બોલાવ્યો
ત્યારે મેં પણ ન સાંભળ્યું.
14અને મેં તેમને વંટોળિયાની જેમ
અજ્ઞાત પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં.
તેમના પાપે તેઓ જે ભૂમિ છોડીને ગયા હતા
તે ઉજ્જડ થઇ ગઇ, ત્યાં કોઇની અવરજવર ન રહી.
એ રમણીય પ્રદેશ વેરાન થઇ ગયો.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in