YouVersion Logo
Search Icon

ઝખાર્યા 3

3
પ્રમુખ યાજકના અભિષેકનું દર્શન
1ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો. 2યહોવાના દેવદૂતે શેતાનને કહ્યું, “યહોવા તને ઠપકો આપો, ઓ શેતાન! યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ઠપકો આપો! આ માણસ અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણાઁ જેવો નથી?”
3યહોશુઆ ગંદા વસ્ત્રો પહેરીને દેવદૂત પાસે ઊભો હતો. 4દેવદૂતે પોતાની આગળ ઊભેલા માણસોને કહ્યું, “એના અંગ પરથી ગંદા વસ્ત્રો ઉતારી નાખો.” અને તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અપરાધો હરી લીધા છે અને હું તને ઊજળાં વસ્ત્રો પહેરાવીશ.”
5પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો. 6ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે,
7આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે:
“જો તું મારા માર્ગ પર ચાલશે
અને મારી આજ્ઞા માથે ચડાવશે,
તો તું મારા મંદિરનો
તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે
અને જેઓ મારી આગળ ઊભા છે,
તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.
8હે પ્રમુખ યાજક યહોશુઆ,
તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ,
તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો.
જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું.
તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત
આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ.
આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”
10સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“તે દિવસે તમારામાંનો એકેએક
જણ પોતાની દ્રાક્ષની વાડી
અને અંજીરના ઝાડ નીચે
પોતાના પડોશી સાથે સુખશાંતિમાં રહેશે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in