YouVersion Logo
Search Icon

ગી.શા. 37

37
ભલા-ભૂંડાના આખરી અંજામ
દાઉદનું (ગીત).
1દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ;
અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.
2કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે
લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
3યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર;
દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
4પછી તું યહોવાહમાં આનંદ કરીશ
અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
5તારા માર્ગો યહોવાહને સોંપ;
તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
6તે તારું ન્યાયીપણું અજવાળાની માફક
અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.
7યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો.
જે પોતાના માર્ગે આબાદ થાય છે
અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
8ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ.
ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.
9દુષ્કર્મીઓનો વિનાશ થશે,
પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
10થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે;
તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
11પણ નમ્ર લોકો દેશનું વતન પામશે
અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.
12દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે
અને તેની સામે પોતાના દાંત પીસે છે.
13પ્રભુ તેની હાંસી કરશે,
કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.
14નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા
યથાર્થીને મારી નાખવાને માટે
દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
15તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે
અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે,
તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
17કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે,
પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.
18યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે
અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
19જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી.
જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
20પણ દુષ્ટો નાશ પામશે.
યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે;
તેમ નાશ પામશે.
21દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી,
પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.
22જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે,
જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.
23માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે
અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
24જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ,
કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
25હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું;
પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
26આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે
અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
27બુરાઈથી દૂર થા અને ભલું કર;
અને સદાકાળ દેશમાં રહે.
28કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે
અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી.
તે સદા તેઓનું રક્ષણ કરે છે,
પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.
29ન્યાયીઓ વતનનો વારસો પામશે
અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
30ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે
અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.
31તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે;
તેના પગ લપસી જશે નહિ.
32દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે
અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.
33યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ
જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.
34યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો
અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે.
જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
35અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની#37:35 લબાનોન રાજ્યના દેવદાર વૃક્ષ જેવા જેમ
મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.
36પણ જ્યારે હું#37:36 તે ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો.
મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.
37નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો;
શાંતિપ્રિય માણસને બદલો મળશે.
38દુષ્ટો સમૂળગા વિનાશ પામશે;
અંતે તેઓના વંશજોનો અંત આવશે.
39યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે;
સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.
40યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે.
તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે
કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.

Currently Selected:

ગી.શા. 37: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy