YouVersion Logo
Search Icon

લૂક 7

7
રોમન અધિકારીનો નોકર સાજો થયો
માથ. 8:5-13
1લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરનાહૂમમાં ગયા.
2ત્યાં એક સૂબેદારનો ચાકર જે તેને પ્રિય હતો તે બીમાર પડ્યો હતો અને મરવાની અણી પર હતો. 3ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદીઓના કેટલાક વડીલોને તેમની પાસે મોકલ્યા અને એવી વિનંતી કરી કે, ‘તમે આવીને મારા ચાકરને બચાવો.’” 4ત્યારે લોકોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરતાં કહ્યું કે, ‘જેને સારુ તમે આટલું કરો તેને તે યોગ્ય છે; 5કારણ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; અને તેણે પોતાના ખર્ચે આપણે સારુ આપણું સભાસ્થાન બંધાવ્યું છે.’”
6એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, ‘પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમ કે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી; 7એ કારણથી હું મારી જાતને પણ તમારી પાસે આવવા લાયક ગણ્યો નહિ; પણ તમે કેવળ શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે. 8કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા ચાકરને કહું છું કે આ પ્રમાણે કર, તે કરે છે.’”
9એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, ‘હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.’” 10સૂબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘરે આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો.
વિધવાનો દીકરો સજીવન થયો
11થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા. 12હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા. 13તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘રડીશ નહિ.’” 14ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેની ઠાઠડી અડક્યા એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, ‘જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.’” 15જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.
16આ જોઈને સર્વને ઘણો ભય લાગ્યો; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે.’” 17તેમના સંબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
યોહાન બાપ્તિસ્ત તરફથી સંદેશકો
માથ. 11:2-19
18યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું. 19યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’” 20તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’”
21તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા. 22ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે, 23અને જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.’”
24યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, ‘અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 25પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્ર પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર વસ્ત્ર પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે! 26પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને.
27 જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે. 28હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.’”
29એ સાંભળીને બધા લોકોએ તથા દાણીઓએ યોહાનના બાપ્તિસ્માના કારણે, ‘ઈશ્વર ન્યાયી છે’ એમ કબૂલ કર્યું. 30પણ ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નકાર કર્યા.
31 ‘આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોનાં જેવા છે? 32તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.
33 કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે. 34માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! 35પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.’”
સિમોન ફરોશીના ઘરે ઈસુ
36કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા. 37જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને, 38તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.
39હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, ‘જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.’” 40આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘સિમોન, મારે તને કંઈ કહેવું છે.’ ત્યારે તેણે ઈસુને કહ્યું કે, ‘કહો ને, પ્રભુ.’”
41 ઈસુએ કહ્યું ‘એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું. 42જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?’” 43સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેમણે કહ્યું, ‘તેં સાચો જવાબ આપ્યો.’”
44પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે. 45તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.
46 તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે. 47એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’”
48ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’” 49ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’” 50ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’”

Currently Selected:

લૂક 7: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy