YouVersion Logo
Search Icon

લૂક 5

5
પ્રથમ શિષ્યોનું તેડું
માથ. 4:18-22; માર્ક 1:16-20
1હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા. 2તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. 3તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.
4ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’” 5સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’” 6તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. 7તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.
8તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’” 9કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા. 10તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’” 11તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.
રક્તપિત્તિયો શુદ્ધ કરાયો
માથ. 8:1-4; માર્ક 1:40-45
12એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક કુષ્ઠ રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, ‘પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.’” 13ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, ‘હું ચાહું છું, તું શુદ્ધ થા.’ અને તરત તેનો કુષ્ઠ રોગ મટી ગયો.
14ઈસુએ તેને આજ્ઞા કરી કે, ‘તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે સાક્ષી તરીકે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે અર્પણ ચઢાવ.’”
15પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા. 16પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.
એક લકવાગ્રસ્તને સાજાંપણું
માથ. 9:1-8; માર્ક 2:1-12
17એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.
18જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો; 19પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.
20ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, ‘હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.’” 21તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, ‘આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?’”
22ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, ‘તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો? 23વધારે સહેલું કયું છે, ‘તારાં પાપ તને માફ થયાં છે,’ એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?’” 24પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે હું તને કહું છું કે ‘ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.’”
25તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો. 26સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, ‘આજે આપણે અજાયબ વાતો જોઈ છે.’”
લેવીનું તેડું
માથ. 9:9-13; માર્ક 2:13-17
27ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 28અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.
29લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. દાણીઓ તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું. 30ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ બડબડાટ કરીને કહ્યું કે, ‘તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?’” 31ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે; 32ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.’”
ઉપવાસ વિષે પ્રશ્ન
માથ. 9:14-17; માર્ક 2:18-22
33તેઓએ તેને કહ્યું કે, ‘યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.’” 34ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું? 35પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.’”
36ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે,’ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે.
37 તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે. 38પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. 39વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.’”

Currently Selected:

લૂક 5: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy