YouVersion Logo
Search Icon

ન્યાય. 6

6
ગિદિયોન
1ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું; અને સાત વર્ષ સુધી ઈશ્વરે તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યાં. 2મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં.
3અને જે સમયે ઇઝરાયલીઓ વાવણી કરતા, ત્યારે એમ થતું કે, મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના લોકો તેઓ પર ચઢી આવતા. 4તેઓ તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનની ઉપજનો નાશ કરતા. તેઓ ઇઝરાયલમાં અન્ન, ઘેટું, બળદ અથવા ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહિ.
5તેઓ પોતાનાં જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચઢી આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અસંખ્ય હતાં. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતાં. 6મિદ્યાનીઓએ ઇઝરાયલીઓને કંગાલ બનાવી દીધા, તેથી ઇઝરાયલી લોકોએ ઈશ્વરની આગળ પોકાર કર્યો.
7જયારે ઇઝરાયલી લોકોએ મિદ્યાનીઓના ત્રાસ ને કારણે ઈશ્વરની આગળ પોકાર કર્યો ત્યારે, 8ઈશ્વરે ઇઝરાયલી લોકો માટે પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે: ‘હું તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો અને ગુલામીમાંથી મુક્ત કર્યા.
9મેં તમને મિસરીઓના હાથમાંથી અને તમારા પર જુલમ ગુજારનારાઓના હાથમાંથી છોડાવ્યાં. મેં તેઓને તમારી આગળથી કાઢી મૂકીને તેઓનો દેશ તમને આપ્યો. 10મેં તમને કહ્યું, “હું ઈશ્વર તમારો પ્રભુ છું; મેં તમને આજ્ઞા કરી હતી, જે કોઈ દેશમાં તમે રહો ત્યાં અમોરીઓના દેવોની પૂજા કરવી નહિ.” પણ તમે મારી વાણીનું પાલન કર્યું નથી.’”
11પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં ઝૂડતો હતો. 12ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, “પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!”
13ગિદિયોને તેને કહ્યું, “મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય, તો શા માટે આ બધું અમારી પર આવી પડે છે? તેમનાં અદ્દભુત કાર્યો વિષે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે, તેઓએ કહ્યું ‘શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી?’ તોપણ તેમણે તો અમને તજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”
14ઈશ્વરે તેના તરફ કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું, “તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ. ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું?” 15ગિદિયોને તેને કહ્યું, “કૃપા કરી, પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયલને બચાવું? જુઓ, મનાશ્શામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું.”
16ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સમગ્ર સૈન્યને એકલો મારશે.” 17ગિદિયોને તેમને કહ્યું, “જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો. 18જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહિ.” ઈશ્વરે કહ્યું, “જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.”
19ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા. 20ઈશ્વરના દૂતે તેને કહ્યું, “માંસ તથા બેખમીર રોટલી લઈને તેને આ ખડક પર મૂક અને તેઓ પર રસો રેડી દે.” ગિદિયોને એ મુજબ કર્યું.
21ત્યારે ઈશ્વરના દૂતે પોતાના હાથમાંથી લાકડીના છડાથી માંસ અને બેખમીર રોટલીને સ્પર્શ કર્યો; ખડકમાંથી અગ્નિ નીકળ્યો અને માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. પછી ઈશ્વરનો દૂત અદ્રશ્ય થઈ ગયો પછી ગિદિયોન તેને જોઈ શક્યો નહિ.
22ગિદિયોન સમજ્યો કે આ ઈશ્વરનો દૂત હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈશ્વર, મને અફસોસ! કેમ કે મેં ઈશ્વરના દૂતને મારી સમક્ષ જોયો!” 23ઈશ્વરે તેને કહ્યું, “તને શાંતિ હો! ગભરાઈશ નહિ, તું મૃત્યુ પામશે નહિ.” 24તેથી ગિદિયોને ઈશ્વરને સારુ ત્યાં એક વેદી બનાવી. તેનું નામ ઈશ્વર-શાલોમ#6:24 ઈશ્વર શાંતિ છે પાડ્યું. તે આજ દિવસ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.
25તે રાત્રે ઈશ્વરે તેને કહ્યું, “તારા પિતાનો બળદ તથા બીજો સાત વર્ષનો શ્રેષ્ઠ બળદ લે અને બઆલની જે યજ્ઞવેદી તારા પિતાની પોતાની છે તે તોડી પાડ, તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખ. 26તું પ્રભુ તારા ઈશ્વરને માટે આ જગ્યાના શિખર પર યોગ્ય બાંધકામ કરીને યજ્ઞવેદી બનાવ. જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો શ્રેષ્ઠ બળદ લઈને તેનું દહનીયાર્પણ કર.”
27તેથી ગિદિયોને પોતાના દસ સેવકોને લઈને, ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો, તેથી તેણે રાત્રે યજ્ઞવદી બનાવી.
28સવારમાં જયારે નગરના પુરુષો ઊઠ્યા ત્યારે તેઓએ જોયું કે, બઆલની યજ્ઞવેદી તોડી પાડેલી હતી તેની પાસેની અશેરા મૂર્તિ કાપી નાખેલી હતી તથા બાંધેલી નવી યજ્ઞવેદી પર બીજા શ્રેષ્ઠ બળદનું દહનીયાપર્ણ કરેલું હતું. 29નગરના પુરુષોએ એકબીજાને કહ્યું, “આ કામ કોણે કર્યું છે?” પછી તપાસ કરીને તેઓએ કહ્યું, “યોઆશના દીકરા ગિદિયોને આ કૃત્ય કર્યું છે.”
30ત્યારે નગરના લોકોએ યોઆશને કહ્યું, “તારા દીકરાને બહાર લાવ કે જેથી તે માર્યો જાય, કેમ કે તેણે બઆલની યજ્ઞવેદી તોડી પાડી છે અને અશેરા મૂર્તિ કાપી નાખી છે.”
31યોઆશે તેની સામે ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બઆલના પક્ષમાં બોલશો? કે શું તમે તેને બચાવશો? જે માણસ તેના પક્ષમાં વિવાદ કરે તે સવાર થતાં પહેલાં માર્યો જાય; જો બાલ દેવ હોય તો તે પોતે પોતાના પક્ષમાં બોલે, કેમ કે કોઈ એકે તેની વેદી તોડી પાડી છે.” 32તે માટે તે દિવસે તેણે દીકરાનું નામ “યરુબાલ” પાડીને કહ્યું, “બઆલ તેની સામે વિવાદ કરે,” કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.
33ત્યારે સર્વ મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. તેઓએ પેલે પાર જઈને યિઝ્રએલની ખીણમાં છાવણી કરી.
34પણ ઈશ્વરનો આત્મા ગિદિયોન પર આવ્યો તેણે રણશિગડું વગાડ્યું. તેથી અબીએઝેરના માણસો તેની પાછળ જવાને એકત્ર થયા. 35તેણે મનાશ્શામાં સર્વત્ર સંદેશવાહકો મોકલ્યા અને તેઓ પણ તેની પાછળ એકત્ર થયા. તેણે આશેરમાં, ઝબુલોનમાં તથા નફતાલીમાં સંદેશવાહકો મોકલ્યા અને તેઓ તેને મળવા સામા ગયા.
36ગિદિયોને ઈશ્વરને કહ્યું, “જો તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના હોય, 37તો જુઓ, હું ખળીમાં ઊન મૂકીશ. જો એકલા ઊન પર ફક્ત ઝાકળ પડે અને બાકીની ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે, તમારા કહેવા મુજબ, મારે હાથે ઇઝરાયલને બચાવવાના છો.”
38બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊઠીને ઊન દબાવ્યું, ત્યારે તે જ પ્રમાણે થયું, ઊનને નિચોવતાં એક વાટકો ભરાય તેટલું ઝાકળનું પાણી નીકળ્યું.
39પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.” 40તે રાત્રે તેણે જેવું માગ્યું તેવું ઈશ્વરે કર્યું. કેમ કે એકલું ઊન કોરું હતું અને બાકીની જમીન પર ફક્ત ઝાકળ હતું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy