YouVersion Logo
Search Icon

ઉત્પ 25

25
ઇબ્રાહિમના અન્ય વંશજ
1ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું. 2કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો. 3શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા. 4એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.
5ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી. 6પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
ઇબ્રાહિમનું મરણ અને દફનાવું
7ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું. 8પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.
9તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો. 10હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો. 11ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
ઇશ્માએલના વંશજ
12હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે.
13ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ, 14મિશમા, દુમા, માસ્સા, 15હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા. 16તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.
17ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો. 18હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા#25:18 તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા તેઓ પૂર્વ પ્રદેશમાં રહેતા હતા.
એસાવ અને યાકૂબનો જન્મ
19ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. 20ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો. 21ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ. 22તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, “મારી સાથે આમ કેમ બન્યું?” તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.
23ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”
24જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા. 25જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ#25:25 એસાવ રુંવાટીવાળા, એદોમ: લાલ પાડ્યું. 26ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
એસાવ પોતાનો જયેષ્ઠપણાનો હક વેચે છે
27તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો. 28હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.
29એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો. 30એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું.
31યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.” 32એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.” 33યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. 34યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.

Currently Selected:

ઉત્પ 25: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy