YouVersion Logo
Search Icon

ઉત્પ 21

21
ઇસહાકનો જન્મ
1ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું. 2સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો. 3ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું. 4ઈશ્વરે ઇબ્રાહિમને આપેલી આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરી.
5જયારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો. 6સારાએ કહ્યું, “ઈશ્વરે મને પ્રફુલ્લિત કર્યો છે; દરેક જે આ વાત સાંભળશે તેઓ મારી સાથે હસશે.” 7તેણે એમ પણ કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેશે કે સારા છોકરાંને પોતાનું દૂધ પીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણ મેં તેના માટે એક દીકરાને જન્મ આપ્યો છે!”
હાગાર અને ઇશ્માએલને કાઢી મૂક્યાં
8તે બાળક મોટો થયો અને તેને દૂધ છોડાવવામાં આવ્યું. ઇસહાકે જયારે દૂધ છોડ્યું તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી. 9પણ હાગાર મિસરીના દ્વારા ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ મશ્કરી કરતો જોયો.
10તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક: કેમ કે આ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની સાથે વારસનો ભાગીદાર થશે નહિ.” 11આ વાત ઇબ્રાહિમને પોતાના દીકરાને લીધે ઘણી દુઃખદાયક લાગી.
12પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “આ બાળક તથા તારી દાસીને લીધે તું ઉદાસ થઈશ નહિ. આ બાબત વિશે જે સર્વ સારાએ તને કહ્યું છે, તે સાંભળ, કેમ કે તારો વંશ ઇસહાકથી ગણાશે. 13વળી તારી દાસીના દીકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ. કેમ કે તે પણ તારું સંતાન છે.”
14ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો. તેણે રોટલી તથા પાણી ભરેલું એક પાત્ર લઈને હાગારના ખભા પર મૂક્યું. છોકરો તેને સોંપીને તેઓને વિદાય કર્યાં. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. 15રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો. 16પછી તે મીટર જેટલે અંતરે દૂર જઈને બેઠી, કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું કેવી રીતે જોઈ શકું?” બાળકની સામે બેસીને હાગારે ઊંચા અવાજે રુદન#21:16 છોકરો રડ્યો કર્યું.
17ઈશ્વરે છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, “હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ, કેમ કે છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે. 18ઊઠ, છોકરાંને તારા હાથમાં ઊંચકી લે; કેમ કે ઈશ્વર તેનાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરવાનો છે.
19પછી ઈશ્વરે તેની આંખો ઊઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે પાણીનું પાત્ર ભર્યું અને છોકરાંને પાણી પીવાને આપ્યું. 20ઈશ્વર તે છોકરા સાથે હતા અને તે મોટો થયો. અરણ્યમાં રહીને તે ધનુર્ધારી થયો. 21તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માતાએ મિસર દેશની એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં.
ઇબ્રાહિમ અને અબીમેલેખ વચ્ચે સંધિ
22અબીમેલેખ અને તેના સેનાપતિ ફીકોલે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે. 23તે માટે હવે અહીં મારી આગળ ઈશ્વરની હજૂરમાં કહે કે, મારી સાથે, મારા દીકરા સાથે અને મારા વંશજો સાથે, તું દગો નહિ કરે. વળી તારી સાથે જ વિશ્વસનીય કરાર કર્યો છે તે પ્રમાણે મારી સાથે આ દેશ કે જેમાં તું રહે છે તેમાં વર્તજે.” 24અને ઇબ્રાહિમે કહ્યું, “હું ઈશ્વરની હજૂરમાં સમ લઈને કહું છું કે એમ કરીશ.”
25પછી અબીમેલેખના દાસોએ તેની પાસેથી પાણીનો જે કૂવો બળજબરીથી લઈ લીધો હતો તેના વિષે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. 26અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી.” 27તેથી ઇબ્રાહિમે ઘેટાં તથા અન્ય જાનવરો લાવીને અબીમેલેખને આપ્યાં અને તે બન્નેએ કરાર કર્યો.
28પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી. 29અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, “તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?” 30તેણે જવાબ આપ્યો, “આ સાત ઘેટીઓ મારા હાથથી તું લે કે જેથી આ કૂવો મેં ખોદ્યો છે તેના વિષે તેઓ મારે માટે સાક્ષી થાય.”
31તે માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા#21:31 સાત કૂવો, કરારનો કૂવો આપ્યું, કેમ કે ત્યાં તે બન્નેએ ઈશ્વરની હજૂરમાં કરાર કર્યો હતો. 32આમ તેઓએ બેરશેબામાં કરાર કર્યો અને પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.
33ઇબ્રાહિમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું. ત્યાં તેણે સનાતન પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરી. 34ઇબ્રાહિમ પલિસ્તીઓના દેશમાં ઘણાં દિવસો સુધી વિદેશીની જેમ રહ્યો.

Currently Selected:

ઉત્પ 21: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy