YouVersion Logo
Search Icon

એસ્ત. 2

2
એસ્તેર રાણીપદે
1જયારે અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમી ગયો, ત્યારે વાશ્તી રાણીએ જે કર્યું હતું તે અને તેની વિરુદ્ધ જે હુકમ જાહેર કરવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યાં. 2ત્યારે રાજાની ખિજમત કરનારા તેના માણસોએ કહ્યું, “રાજાને સારુ સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી.
3રાજાએ પોતાના રાજ્યના દરેક પ્રાંતોમાં આ કામને માટે અમલદારોને નીમવા જોઈએ. તેઓ સર્વ સૌંદર્યવાન જુવાન કુમારિકાઓને પસંદ કરીને સૂસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં હાજર કરે. અને તેઓને જોઈએ એવાં સુંગધી દ્રવ્યો પૂરા પાડવામાં આવે. 4તેઓમાંની જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકાને વાશ્તીને સ્થાને રાણીપદ આપવામાં આવે.” આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો.
5મોર્દખાય નામનો એક યહૂદી સૂસાના મહેલમાં રહેતો હતો. તે કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો. 6બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યકોન્યાની સાથે યરુશાલેમથી જે બંદીવાનોને લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો.
7મોર્દખાયે પોતાના કાકાની દીકરી હદાસ્સા એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી. કેમ કે તેને માતાપિતા નહોતાં. કુમારિકા એસ્તેર સુંદર ક્રાંતિની તથા સ્વરૂપવાન હતી. તેનાં માતાપિતાના મૃત્યુ પછી મોર્દખાયે તેને પોતાની દીકરી તરીકે અપનાવી લીધી હતી.
8રાજાનો હુકમ તથા ઠરાવ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં લાવીને હેગેના હવાલામાં સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં હેગે ખોજાના હવાલામાં સોંપવામાં આવી. 9તે કુમારિકા તેને પસંદ પડી. તેથી તેના પર તેની મહેરબાની થઈ. તેણે એસ્તેર માટે તરત જ તેને જોઈએ તેવાં સુંગધીદ્રવ્યો, ઉતમ ભોજન તથા તેના મોભા પ્રમાણે સાત દાસીઓ પણ આપી, ઉપરાંત તેને અને તેની દાસીઓને રાજાના જનાનખાનામાં સહુથી ઉતમ ખંડો પણ આપ્યા.
10એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહિ; કારણ કે મોર્દખાયે તેને તેમ કરવાની ના પાડી હતી. 11એસ્તેરની શી હાલત છે અને તેનું શું થશે એ જાણવા માટે મોર્દખાય પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે આવજા કરતો હતો.
12સ્ત્રીઓની રીત પ્રમાણે દરેક કુમારિકાઓની માવજત બાર માસ સુધી કરાતી હતી. તેઓને તૈયાર કરવાના દિવસો આ પ્રમાણે પૂરા થતાં એટલે છ માસ બોળના તેલથી અને છ માસ સુગંધી પદાર્થો વડે તથા સ્ત્રીઓને પાવન કરનાર પદાર્થોથી કાળજી લઈ કન્યાઓને તૈયાર કરવામાં આવતી. પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જવાનો તેનો વારો આવતો, 13ત્યારે નિયમ એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે.
14સાંજે તે મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો, તેની દેખરેખ હેઠળ પાછી આવતી. અને રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે ફરીથી કદી રાજા પાસે જઈ શકતી ન હતી.
15હવે મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરી કરી લીધી હતી, તેનો રાજા પાસે અંદર જવાનો ક્રમ આવ્યો ત્યારે એસ્તેરે રાજાના ખોજા તથા સ્ત્રીરક્ષક હેગેએ જે ઠરાવ્યું હતું તે સિવાય બીજું કંઈપણ માગ્યું નહિ. જેઓએ એસ્તેરને જોઈ તે સર્વએ તેની પ્રશંસા કરી.
16એસ્તેરને અહાશ્વેરોશ રાજાની કારકિર્દીના સાતમા વર્ષના દસમા મહિનામાં એટલે કે ટેબેથ મહિનામાં રાજમહેલમાં લઈ જવામાં આવી.
17રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રેમ દર્શાવ્યો. તેણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહેરબાની બતાવીને તેને શિરે સુવર્ણ મુગટ મૂક્યો. અને વાશ્તી રાણીને સ્થાને તેને રાણી તરીકે સ્વીકારી. 18ત્યાર પછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના સરદારો અને સેવકોને મોટી મિજબાની આપી. વળી તેણે બધાં પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવાનો હુકમ કર્યો. અને રાજાને શોભે એવી બક્ષિસો#2:18 જાહેર રાજા અથવા કર માફ કરવું આપી.
મોર્દખાય રાજાનો જીવ બચાવે છે
19ત્યાર બાદ જ્યારે બીજીવાર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠો હતો. 20મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કોઈને જણાવ્યાં નહોતાં. એસ્તેર મોર્દખાયના ઘરમાં રહેતી હતી ત્યારની જેમ આ વેળાએ પણ તે તેની આજ્ઞાનું પાલન કરતી હતી. 21મોર્દખાય રાજાના પ્રવેશદ્વારની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન રાજાના દ્વારપાળોમાંના#2:21 રાજમહલનાં દ્વારપાળો બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું.
22મોર્દખાયને તેની ખબર પડી. એટલે તેણે આ અંગે એસ્તેર રાણીને વાત કરી અને એસ્તેરે મોર્દખાયને નામે તે બાબત રાજાને જણાવી. 23તપાસ કરતાં તે વાત સાચી નીકળી તેથી તે બન્નેને ફાંસી આપવામાં આવી. આ બધી વાતોની નોંધ રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં કરવામાં આવી.

Currently Selected:

એસ્ત. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy