YouVersion Logo
Search Icon

દાનિ. 3

3
નબૂખાદનેસ્સાર સર્વને સોનાની મૂર્તિને નમન કરવા ફરમાવે છે
1નબૂખાદનેસ્સાર રાજાએ છ હાથ ઊંચી અને છ હાથ પહોળી સોનાની મૂર્તિ બનાવી હતી. તેણે બાબિલના પ્રાંતમાંના દૂરાના મેદાનમાં તેની સ્થાપના કરાવી. 2પછી નબૂખાદનેસ્સારે પ્રાંતના રાજકર્તાઓને, રાજયપાલોને, સૂબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, સલાહકારોને, અમલદારોને તથા પ્રાંતોના સર્વ અધિકારીઓને એકત્ર કરવા માટે સંદેશા મોકલ્યા કે, જેથી તેણે જે મૂર્તિ સ્થાપી હતી તેની પ્રતિષ્ઠા વિધિમાં તેઓ હાજર રહેવા માટે આવે.
3ત્યારે પ્રાંતના રાજકર્તાઓ, સૂબાઓ, નાયબસૂબાઓ, સલાહકારો, ભંડારીઓ, ન્યાયાધીશો, અમલદારો તથા પ્રાંતના સર્વ મુખ્ય અધિકારીઓ નબૂખાદનેસ્સારે જે મૂર્તિની સ્થાપના કરી હતી તેની પ્રતિષ્ઠા કરવા માટે એકત્ર થયા. તેઓ તેની આગળ ઊભા રહ્યા. 4ત્યારે ચોકીદારે મોટે અવાજે પોકાર કર્યો, “હે લોકો, પ્રજાઓ તથા જુદી જુદી ભાષાઓ બોલનારા માણસો તમને હુકમ કરવામાં આવે છે કે, 5જે સમયે તમે રણશિંગડાંઓ, વાંસળીઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો અવાજ તમે સાંભળો તે સમયે તમારે નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને નમન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
6જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા નહિ કરે, તેને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે.” 7તેથી જ્યારે સર્વ લોકોએ રણશિંગડાંઓ, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળ્યા ત્યારે લોકોએ, પ્રજાઓએ તથા ભાષાઓએ નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
દાનિયેલના સાથીઓએ કરેલો હુકમનો અનાદર
8હવે તે સમયે કેટલાક ખાલદીઓ રાજાની પાસે આવ્યા અને તેઓએ યહૂદીઓ સામે આરોપ મૂક્યો. 9તેઓએ નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો.” 10તમે એવો હુકમ ફરમાવ્યો કે, દરેક માણસ કે જે રણશિંગડાં, શરણાઈઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળે તેણે સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
11જે કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સોનાની મૂર્તિની પૂજા નહિ કરે, તેને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. 12હવે કેટલાક યહૂદીઓને જેને આપે બાબિલ પ્રાંતનો વહીવટ સોંપ્યો છે; તેમનાં નામ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો છે. હે રાજા, આ માણસોએ આપની વાતો પર ધ્યાન આપ્યું નથી. તેઓ તમારા દેવોની સેવા કરતા નથી કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પૂજા કરતા નથી.”
13ત્યારે નબૂખાદનેસ્સાર કોપાયમાન થયો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. માટે તેઓ આ માણસોને રાજાની આગળ લાવ્યા. 14નબૂખાદનેસ્સારે તેઓને કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, શું તમે મનમાં નક્કી કર્યું છે કે, તમે મારા દેવોની ઉપાસના અને મેં સ્થાપન કરેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરો?
15હવે જો તમે રણશિંગડાં, શરણાઈ, વીણા, સિતાર, સારંગી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો અવાજ સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરવા તૈયાર થશો, તો સારી વાત છે. પણ જો તમે પૂજા નહિ કરો તો તમને તેજ ક્ષણે બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. મારા હાથમાંથી તમને છોડાવવાને સમર્થ એવો દેવ કોણ છે?”
16શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોએ રાજાને જવાબ આપ્યો, “હે નબૂખાદનેસ્સાર, આ બાબતમાં તમને જવાબ આપવાની અમને કોઈ જરૂર નથી. 17જો કોઈ જવાબ હોય તો, તે અમારા ઈશ્વર કે જેમની અમે સેવા કરીએ છીએ તે આપશે. તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીથી સલામત રાખવાને શક્તિમાન છે, હે રાજા, તે અમને તમારા હાથમાંથી છોડાવશે. 18પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા તમે જાણી લો કે, અમે તમારા દેવોની સેવા નહિ કરીએ કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરીએ.”
દાનિયેલના ત્રણ સાથીઓને ફરમાવેલી દેહાંતદંડની શિક્ષા
19ત્યારે નબૂખાદનેસ્સાર વધારે રોષે ભરાયો; શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સામે તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે હુકમ કર્યો કે, ભઠ્ઠીને હંમેશાં ગરમ કરવામાં આવે છે તેના કરતાં સાતગણી વધારે ગરમ કરવામાં આવે. 20પછી તેણે પોતાના સૈન્યના કેટલાક બળવાન માણસોને હુકમ કર્યો કે, શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાંધીને તેઓને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો.
21તેઓએ તેઓને ઝભ્ભા, પાઘડી તથા બીજાં વસ્ત્રો સહિત બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. 22રાજાના હુકમને સખત રીતે અનુસરવામાં આવ્યો હતો. ભઠ્ઠી ઘણી ગરમ હતી. જે માણસો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને લાવ્યા હતા તેઓને અગ્નિની જ્વાળાઓની ઝાળ લાગી. તેઓ બળીને મરી ગયા. 23આ ત્રણ માણસો એટલે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, તેઓ જેવા બંધાયેલા હતા તેવા જ બળબળતી અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા.
24ત્યારે નબૂખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, “શું આપણે ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?” તેઓએ રાજાને જવાબ આપ્યો, “હા રાજા, ચોક્કસ એવું જ છે.” 25પછી તેણે કહ્યું, “પણ હું તો ચાર માણસોને અગ્નિમાં ચારેબાજુ છૂટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે.”
ત્રણેનો છુટકારો અને બઢતી
26પછી નબૂખાદનેસ્સાર સળગતી ભઠ્ઠીના દરવાજા પાસે આવ્યો અને કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર આવો, અહીં આવો! “ત્યારે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા. 27પ્રાંતોના રાજકર્તાઓ, સૂબાઓ, નાયબસૂબાઓ તથા રાજાના દરબારીઓએ એકત્ર થઈને આ માણસોને જોયા. અગ્નિથી તેઓના શરીર ઉપર ઈજા થઈ ન હતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા, તેઓના ઝભ્ભાઓને ઈજા થઈ ન હતી; તેઓના પરથી અગ્નિની ગંધ પણ આવતી નહોતી.
28નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ હો! જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને છોડાવ્યા છે. જયારે તેઓએ મારી આજ્ઞા નિષ્ફળ કરી ત્યારે તેઓએ તેમના પર ભરોસો રાખ્યો, પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈપણ દેવની સેવા કરવા કે તેઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાને બદલે તેઓએ પોતાનાં શરીરો અગ્નિને આપ્યાં.
29માટે હું એવો હુકમ ફરમાવું છું કે, કોઈપણ લોક, પ્રજા કે વિવિધ ભાષા બોલનારાઓ જો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોના ઈશ્વરની વિરુદ્ધ કંઈપણ બોલશે, તો તેઓને કાપી નાખવામાં આવશે. તેઓનાં ઘરોને તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કેમ કે, આ રીતે માણસોને છોડાવી શકે એવા બીજા કોઈ ઈશ્વર નથી.” 30પછી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચું સ્થાન આપ્યું.

Currently Selected:

દાનિ. 3: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy