YouVersion Logo
Search Icon

દાનિ. 2

2
નબૂખાદનેસ્સારનું સ્વપ્ન
1નબૂખાદનેસ્સાર રાજાના શાસનના બીજા વર્ષે તેને સ્વપ્નો આવ્યાં. તેનું મન ગભરાયું, તે ઊંઘી શક્યો નહિ. 2ત્યારે રાજાએ જાદુગરો તથા મેલીવિદ્યા કરનારને બોલાવ્યા. તેણે મંત્રવિદ્યા જાણનારાઓને તથા ખાલદીઓને પણ તેડાવ્યા. તે ઇચ્છતો હતો કે તેઓ તેના સ્વપ્ન વિષે તેને કહી જણાવે. તેઓ અંદર આવીને રાજા આગળ ઊભા રહ્યા.
3રાજાએ તેઓને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે.” 4ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું.”
5રાજાએ ખાલદીઓને જવાબ આપ્યો કે, “એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહિ જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે. 6પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
7તેઓએ ફરીથી તેને જણાવ્યું કે, “હે રાજા આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ.” 8રાજાએ જવાબ આપ્યો, “હું નક્કી જાણું છું કે તમે સમય મેળવવા ઇચ્છો છો, કેમ કે તમે જુઓ છો કે આ વિષે મારો નિર્ણય શો છે. 9પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જૂઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણી શકું કે તમે પણ અર્થ કહી શકશો.”
10ખાલદીઓએ રાજાને જવાબ આપ્યો, “પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને આવી કોઈ વાત પૂછી નથી. 11જે માગણી રાજા કરે છે તે મુશ્કેલ છે, દેવો કે જેઓ માણસોની મધ્યે રહેતા નથી તેઓના સિવાય બીજો કોઈ રાજાને આ વાત કહી શકે નહિ.
12આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો ચઢ્યો અને તે કોપાયમાન થયો. તેણે બાબિલના બધા જ્ઞાનીઓનો નાશ કરવાનો હુકમ આપ્યો. 13એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.
સ્વપ્નનો અર્થ શો છે તે પ્રભુ દાનિયેલને બતાવે છે
14આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો. 15દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી. 16તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.
17પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી. 18તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.
19તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિષે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી. 20અને કહ્યું,
“ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો;
કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.
21તે સમયોને તથા
ઋતુઓને બદલે છે;
તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે
વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે.
તે જ્ઞાનીને ડહાપણ
તથા બુદ્ધિમાનને સમજ આપે છે.
22તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે.
કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે,
પ્રકાશ તેમની સાથે રહે છે.
23હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું,
કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે.
અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે;
તમે અમને રાજાની વાત જણાવી છે.”
દાનિયેલ રાજાને સ્વપ્ન અને સ્વપ્નનો અર્થ જણાવે છે
24પછી દાનિયેલ આર્યોખ કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, “બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહિ. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”
25ત્યારે આર્યોખ દાનિયેલને ઉતાવળથી રાજાની હજૂરમાં લઈ ગયો અને કહ્યું, “મને યહૂદિયામાંથી પકડી લાવેલા માણસોમાંથી એક માણસ મળી આવ્યો છે જે રાજાના સ્વપ્નનો અર્થ પ્રગટ કરશે.” 26રાજાએ દાનિયેલને જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તેને કહ્યું, “મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?”
27દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, “જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી. 28પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે.
29હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિષે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા, રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. 30બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડહાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી. પણ એટલા માટે કે, રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો.
31હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો. 32તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં. 33તેના પગ લોખંડના બનેલા હતાં. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો.
34આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. 35પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળાંમાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
36આ તમારું સ્વપ્ન હતું. હવે અમે તમને તેનો અર્થ જણાવીશું. 37હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે. 38જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો.
39તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.
40ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે.
41જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે. 42જેમ પગના આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે. 43વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.
44તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે. 45તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે.”
રાજા દાનિયેલને બક્ષિસ આપે છે
46નબૂખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પૂજા કરી; તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચઢાવો. 47રાજાએ દાનિયેલને કહ્યું, “સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે. કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે.
48પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વ જ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો. 49દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબિલના વિવિધ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.

Currently Selected:

દાનિ. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy